ટેરિફ લાગુ થતા 50 થી વધુ દેશો વ્હાઈટ હાઉસ સાથે ચર્ચા માટે તૈયાર! મંદી અંગે ટ્રમ્પે કહી આ વાત…

વોશિંગ્ટન: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2જી એપ્રિલથી દુનિયાના વિવિધ દેશો પર ટેરિફ (Tariff) લાગુ કરી દીધો છે, જેના કારણે વૈશ્વિક વેપારને માઠી અસર પહોંચી રહી છે, અમેરિકા સહીત દુનિયાભરના શેરબજારમાં પણ ઉથલપાથલ જોવા મળી રહી છે. એવામાં અહેવાલ છે કે 50 થી વધુ દેશોએ ટેરીફ અંગે ચર્ચા કરવા વ્હાઇટ હાઉસનો સંપર્ક કર્યો છે.
અમેરિકાના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટે જણાવ્યું હતું કે જ્યારથી ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ લાગુ કર્યો છે. ત્યારથી, 50 થી વધુ દેશોએ અમેરિકા સાથે વાટાઘાટો શરૂ કરી છે. આ કારણે ટ્રમ્પની શક્તિ વધુ વધી ગઈ છે.
યુએસ નેશનલ ઇકોનોમિક કાઉન્સિલના ડિરેક્ટર કેવિન હેસેટે ટ્રમ્પની ટેરિફ નીતિનો બચાવ કર્યો અને તેને યોગ્ય ઠેરવી. જોકે, અધિકારીઓએ આ દેશોના નામ જાહેર કર્યા નથી. એકસાથે આટલા બધા દેશો સાથે વાટાઘાટો કરવી એ ટ્રમ્પ વહીવટીતંત્ર માટે પડકાર છે.
આ પણ વાંચો: ટ્રમ્પનો ટેરિફ પ્લાન અમેરિકાને ભારે પડશે! અમેરિકનોએ ખરીદી માટે માર્કેટ માથે લીધું!
તાઇવાનના રાષ્ટ્રપતિ લાઇ ચિંગ-તેએ એક નિવેદનમાં કહ્યું કે તેઓ અમેરિકા સાથે વાટાઘાટો કરવા માટે તૈયાર છે અને શૂન્ય ટેરિફને આધાર બનાવીને વેપાર અવરોધો દૂર કરશે. તાઇવાનની કંપનીઓ અમેરિકામાં રોકાણ વધારશે.
ટ્રમ્પને કોઈ ચિંતા નહીં:
હાલ અમેરિકાના શેર બજારમાં મોટો ઘટાડો નોંધાયો છે, અત્યાર સુધીમાં, અમેરિકન શેરબજારમાં લગભગ 6 ટ્રિલિયન ડોલરનું ધોવાણ થયું છે, જેના કારણે મંદીની શક્યતા ઉભી થઇ છે. રાષ્ટ્રપતિના એરક્રાફ્ટ એરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે શેરબજારમાં આવેલા તીવ્ર ઘટાડાથી તેમને કોઈ ચિંતા નથી.
ટ્રમ્પે કહ્યું, “ક્યારેક કોઈ વસ્તુ ઠીક કરવા માટે દવા લેવી પડે છે. મેં યુરોપ, એશિયા અને વિશ્વભરના ઘણા નેતાઓ સાથે વાત કરી. તેઓ કોઈ કરાર પર પહોંચવા માટે તૈયાર છે અને મેં કહ્યું, અમે તમારા દેશને નુકસાન પહોંચાડવાના નથી.”
આ પણ વાંચો: અમેરિકામાં સરકાર વિરુદ્ધ જુવાળ! તમામ 50 રાજ્યોમાં ટ્રમ્પ-મસ્ક વિરોધી રેલીઓ નીકળી
ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે મક્કમ રહેતા કહ્યું કે ટેરીફ એક સુંદર વસ્તુ છે. તેમણે કહ્યું, “એક દિવસ બધા અમેરિકનોને આ વાતનો અહેસાસ થશે. અમેરિકાને ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય ઘણા દેશો સાથે ભારે નાણાકીય ખાધ છે. આ સમસ્યાનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો ટેરિફ છે. જેને કારણે અમેરિકામાં અબજો ડોલર આવી રહ્યા છે.”