સંયુક્ત રાષ્ટ્ર મહાસભા બાદ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર રશિયાને ‘પેપર ટાઈગર’ ગણાવ્યું, ક્રેમલિને આપ્યો આકરો જવાબ

મોસ્કો: અમેરિકાના ન્યૂ યોર્ક ખાતે તાજેતરમાં 80મી સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું આયોજન થયું હતું. જેમાં અનેક દેશોના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાનોએ ભાગ લીધો હતો. ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત અને ચીન જેવા દેશો રશિયાને ભંડોળ પૂરું પાડી રહ્યા છે. આ સાથે તેમણે યુરોપિયન દેશોને રશિયા પાસેથી તેલ ખરીદવાનું તરત જ બંધ કરવાની અપીલ પણ કરી હતી. ત્યાર બાદ હવે તેમણે સોશિયલ મીડિયા પર એવું કહ્યું છે કે, જેનાથી રશિયા ભડકી ઊઠ્યું છે.
રશિયા ‘કાગળનો વાઘ’ છે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર લખ્યું કે, “રશિયા છેલ્લા સાડા ત્રણ વર્ષથી કોઈ સ્પષ્ટ ઉદેશ્ય વગર યુદ્ધ લડી રહ્યું છે. જે એક વાસ્તવિક સૈન્ય શક્તિએ એક અઠવાડિયાથી ઓછા સમયમાં યુદ્ધ જીતી લેવું જોઈતું હતું. આ રશિયાને શોભી રહ્યું નથી. હકીકતમાં તે ‘કાગળના વાઘ’ જેવું દેખાય છે.”
આ પણ વાંચો : રશિયાએ ફરી એકવાર યુક્રેન પર કર્યો મોટો મિસાઈલ હુમલો; અનેક શહેરમાં મચાવી તબાહી, 3ના મોત…
ડૉનાલ્ડ ટ્રમ્પના ‘કાગળના વાઘ’વાળા નિવેદનને લઈને રશિયા રોષે ભરાયું છે. સાથોસાથ રશિયન સરકારે પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. આંતરરાષ્ટ્રીય મીડિયા સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે RBC રેડિયો સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “ટ્રમ્પ એક બિઝનેસમેન છે. તેઓ વિશ્વને અમેરિકાનું તેલ અને ગેસ ઊંચા ભાવે ખરીદવા માટે મજબૂત કરી રહ્યા છે. રશિયાએ પોતાની આર્થિક સ્થિરતા કાયમ રાખી છે. જોકે, વિવિધ ક્ષેત્રોમાં સમસ્યાઓનો સામનો પણ કરવો પડી રહ્યો છે.” તેમણે આગળ કહ્યું કે, “રશિયા એક રીંછ છે, વાઘ પણ નથી. અને ‘કાગળના રીંછ’ જેવી કોઈ વસ્તુ હોતી નથી.”
રશિયા પાસે બીજો કોઈ વિકલ્પ નથી
દિમિત્રી પેસકોવે પોતાના સંબોધનમાં રશિયા-યુક્રેનના યુદ્ધનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “અમે પોતાના હિતને સુનિશ્ચિત કરવા અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા નક્કી કરવામાં આવેલા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે પોતાનું વિશેષ સૈન્ય અભિયાન ચાલું રાખી રહ્યા છીએ. અમારા દેશના વર્તમાન અને ભવિષ્ય તથા આવનારી અનેક પેઢીઓ માટે અમે આ કરી રહ્યા છીએ. તેથી અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.”