ઇન્ટરનેશનલ

ટ્રમ્પ સરકારનો મોટો નિર્ણય: બાઈડેન કાળના ૩૦ રાજદૂતોની હકાલપટ્ટી, ‘અમેરિકા ફર્સ્ટ’ પર ભાર

વોશિંગ્ટન ડી સી: ડોનાલ્ડ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ અમેરિકાની વિદેશ નીતિને નવી દિશા આપવાનું શરૂ કરી દીધું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે વિશ્વના વિવિધ દેશોમાં તૈનાત ૩૦ જેટલા અનુભવી રાજદૂતોને તાત્કાલિક અસરથી પરત બોલાવવાનો નિર્ણય લીધો છે. આ પગલા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ટ્રમ્પની ‘અમેરિકા ફર્સ્ટ’ (America First) ની પ્રાથમિકતાઓને વૈશ્વિક સ્તરે મજબૂતીથી લાગુ કરવાનો છે. આ મોટા ફેરબદલથી વોશિંગ્ટનના રાજદ્વારી વર્તુળોમાં ભારે હલચલ મચી ગઈ છે.

વિદેશ વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત સપ્તાહે 29 થી વધુ દેશોમાં તૈનાત રાજદૂતોને લેખિત નોટિસ પાઠવી દેવામાં આવી છે. આ તમામ રાજદૂતોની સેવાઓ જાન્યુઆરી 2026માં સમાપ્ત થશે. નોંધનીય છે કે આ એવા અધિકારીઓ છે જેમના પર બાઈડેન શાસન દરમિયાન મહોર મારવામાં આવી હતી. જોકે, આ ફેરબદલથી તેમની સરકારી નોકરી પર કોઈ જોખમ નથી, પરંતુ તેઓએ વર્તમાન દેશોમાંથી પરત ફરીને વોશિંગ્ટન ખાતે અન્ય જવાબદારીઓ સ્વીકારવી પડશે.

ટ્રમ્પના આ નિર્ણયની સૌથી મોટી અસર આફ્રિકન ખંડ પર જોવા મળી છે. આફ્રિકાના 13 દેશો જેવા કે નાઈજીરિયા, રવાંડા, સેનેગલ અને સોમાલિયામાંથી અમેરિકી રાજદૂતોને પરત બોલાવાયા છે. એશિયામાં પણ ફિલિપાઈન્સ, વિયેતનામ અને લાઓસ સહિતના 6 દેશોમાં ફેરફાર કરાયા છે. આ ઉપરાંત નેપાળ અને શ્રીલંકા જેવા દક્ષિણ એશિયાઈ દેશો તેમજ આર્મેનિયા અને ઈજિપ્ત જેવા મહત્વના વ્યૂહાત્મક દેશોમાં પણ નવા ચહેરાઓની નિમણૂક કરવામાં આવશે.

સામાન્ય રીતે અમેરિકી રાજદૂતોનો કાર્યકાળ 3 થી 4 વર્ષનો હોય છે, પરંતુ પ્રમુખ પાસે તેમને ગમે ત્યારે પરત બોલાવવાની સત્તા હોય છે. ટ્રમ્પ પ્રશાસન ઈચ્છે છે કે વિદેશોમાં એવા વ્યક્તિઓ અમેરિકાનું પ્રતિનિધિત્વ કરે જેઓ ટ્રમ્પની વિચારધારા અને નીતિઓ સાથે સંપૂર્ણ રીતે સુસંગત હોય. વિદેશ વિભાગે તેને એક સામાન્ય પ્રક્રિયા ગણાવી છે, પરંતુ નિષ્ણાતો તેને ટ્રમ્પના બીજા કાર્યકાળની આક્રમક વિદેશ નીતિની શરૂઆત માની રહ્યા છે.

હવે પછીના દિવસોમાં ટ્રમ્પ આ દેશોમાં પોતાના ખાસ વિશ્વાસુ અને ‘લોયલિસ્ટ’ ગણાતા નેતાઓની નિમણૂક કરી શકે છે. આ ફેરફાર માત્ર રાજદ્વારી સ્તરે જ નહીં, પરંતુ વેપાર અને સંરક્ષણ ક્ષેત્રે પણ અમેરિકાના અન્ય દેશો સાથેના સંબંધોમાં મોટો વળાંક લાવી શકે છે. ખાસ કરીને એશિયા અને આફ્રિકામાં વધતા ચીનના પ્રભાવને રોકવા માટે ટ્રમ્પ કયા પ્રકારના નવા રાજદૂતોની પસંદગી કરે છે, તે જોવું રસપ્રદ રહેશે.

આપણ વાંચો:  ભારતે આ વિકસિત દેશ સાથે કર્યા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, ભારતીયોને શું થશે ફાયદો ?

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button