રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પ-પુતિનની બુડાપેસ્ટ બેઠક મુલતવી, શાંતિ પ્રયાસોને મોટો ફટકો…

વોશિંગ્ટન ડીસી: રશિયા અને યુક્રેન વચ્ચે ફેબ્રુઆરી 2022થી યુદ્ધ છેડાયું છે. રશિયન રાષ્ટ્રપતિ પુતિનના આક્રમણના આદેશથી શરૂ થયેલું આ યુદ્ધ હજુ પણ ચાલી રહ્યું છે. પુતિન વારંવાર શાંતિ વાટાઘાટો માટે તૈયારી દર્શાવે છે, પરંતુ બંને દેશો મુખ્ય મુદ્દાઓ પર સર્વસંમતિ સુધી પહોંચી શક્યા નથી. બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થાય તે માટે અમેરિકા જેવા દેશો પણ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે અમેરિકાના શાંતિ સ્થાપવાના પ્રયાસો નિષ્ફળ જઈ રહ્યા હોય એવું તાજેતરની એક ઘટનાથી લાગી રહ્યું છે.
ટ્રમ્પ-પુતિન બેઠક મુલતવી
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, રશિયા-યુક્રેન યુદ્ધના ઉકેલ માટેના પ્રયાસોને મોટો ફટકો પડ્યો છે, કારણ કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન વચ્ચે પ્રસ્તાવિત બેઠક મુલતવી રાખવામાં આવી છે. આ બેઠક બુડાપેસ્ટમાં યોજાવાની હતી, પરંતુ હાલમાં તેને મુલતવી રાખવાનું ચોક્કસ કારણ જાહેર કરવામાં આવ્યું નથી.
આ બેઠક ગયા અઠવાડિયે જાહેર કરવામાં આવી હતી, જોકે તેની તારીખ નક્કી કરવામાં આવી ન હતી. આ નિર્ણય યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને રશિયન વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ વચ્ચેની વાતચીત બાદ લેવાયો હતો. મોસ્કોએ યુક્રેનમાં યુદ્ધવિરામની માંગ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યા બાદ આ બેઠક મુલતવી રાખવામાં આવી છે, જેના કારણે યુદ્ધ રોકવાના તાત્કાલિક પ્રયાસો અટકી ગયા હોય તેવું લાગે છે.
ટ્રમ્પ અને પુતિનની અલાસ્કા બેઠક
વ્હાઇટ હાઉસના અધિકારીઓને ટાંકીને મીડિયા અહેવાલો સૂચવે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ભવિષ્યમાં મુલાકાતની કોઈ યોજના નથી. તેમની છેલ્લી વાતચીત ગયા ઓગસ્ટમાં અલાસ્કામાં થઈ હતી. તે સમયે, એવું લાગતું હતું કે બંને નેતાઓ યુક્રેન-રશિયા યુદ્ધ પર કોઈ કરાર કરીને શાંતિ સ્થાપિત કરશે, પરંતુ આ બેઠક મુલતવી રહેતા મામલો વધુ લંબાઈ શકે છે.
કાયમી શાંતિ માટે રશિયાની શરતો
ઉલ્લેખનીય છે કે, રશિયાએ કાયમી શાંતિ માટે બે મુખ્ય શરતો મૂકી છે. જે પૈકીની પહેલી શરત યુક્રેનને પરમાણુ શક્તિથી મુક્ત રાખવું અને બીજી શરત યુક્રેને અમેરિકાના નેતૃત્વ હેઠળના નાટો જોડાણમાં જોડાવું નહીં.
આ પણ વાંચો…હમાસને ટ્રમ્પની ચેતવણીઃ સમજૂતીનું પાલન નહીં થયું તો અંત વધુ ખતરનાક અને હિંસક હશે…