ડોનાલ્ડ ટ્રમ્પનો ચોંકાવનારો નિર્ણય; અમેરિકામાં આયાત થતી કાર પર આટલા ટકા ટેરીફ ઝીંક્યો…

વોશિંગ્ટન ડીસી: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ટેરીફ મામલે સતત સક્રિય જોવા મળી રહ્યા છે, એવામાં ટ્રમ્પે અચાનક એક ચોંકાવનારો નિર્ણય લીધો છે. બુધવારે ટ્રમ્પે અમેરિકામાં આયાત થતી તમામ વિદેશી કારો પર 25 ટકા ડ્યુટી લગાવવાની જાહેરાત (Donald Trump tariff on Imported cars) કરી. તેમણે કહ્યું કે આ ટેરીફ કાયમી રહેશે, જે 2જી એપ્રિલથી અમલમાં આવશે, ટેરીફ વસૂલવાની શરૂઆત 3 એપ્રિલથી થશે.
વ્હાઇટ હાઉસના ઓવલ ઓફિસમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સમાં ન બનેલી બધી કાર પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે. આ કાયમી રહેશે . અમે હાલમાં લાગુ 2.5 ટકા ટેરિફથી શરૂઆત કરીશું અને પછી તેને 25 ટકા સુધી વધારીશું.”
આ પણ વાંચો: લીક થઈ ગયો ટ્રમ્પનો વોર પ્લાન? જાણો કોણ હતું ટાર્ગેટ અને કેવી રીતે થયો ખુલાસો
ટ્રમ્પે એમ પણ કહ્યું કે આ પગલાથી અમેરિકાના આર્થિક વિકાસને વેગ મળશે. તેમણે કહ્યું “આ ટેરીફ વિકાસને એવો વેગ આપશે જે તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય. પરંતુ જો તમે અમેરિકામાં તમારી કાર બનાવશો, તો તેના પર કોઈ ટેરિફ નહીં લાગે.”
આ દેશોને થશે નુકશાન:
મેક્સિકો અમેરિકામાં કારનો સૌથી મોટો નિકાસકાર દેશ છે છે. તે પછી દક્ષિણ કોરિયા, જાપાન, કેનેડા અને જર્મનીનો ક્રમ આવે છે. અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર ફેબ્રુઆરીમાં આયાતી વાહનો પર 25% ટેરિફ વિશે વાત કરી હતી.
ટ્રમ્પની જાહેરાત મુજબ આ ટેરિફ 2 એપ્રિલથી અમલમાં આવશે. ટ્રમ્પે આ દિવસને ‘લિબરેશન ડે’ ગણાવ્યો છે. આ દિવસે ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરવામાં આવશે.
આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરવા જવું હવે વધારે અઘરું, ટ્રમ્પ સરકારે 41% F-1 વિઝા અરજીઓ નકારી…
આ નિર્ણય પાછળ ઈલોન મસ્કનો હાથ?
ટ્રમ્પના આ પગલાથી બજારમાં અસ્થિરતા વધી શકે અને ઇન્વેસ્ટર્સ, કોર્પોરેટ દિગ્ગજો અને ગ્રાહકોમાં ચિંતા વધી છે. ચર્ચા ચાલી રહી છે કે ટ્રમ્પના નિર્ણય પાછળ ટેસ્લાના CEO એલોન મસ્કનો હાથ છે. દરમિયાન, ટ્રમ્પે કહ્યું છે કે મસ્કે ક્યારેય મારી પાસે કોઈ મદદ માંગી નથી કે ન તો તેણે ઓટો ટેરિફ અંગે કોઈ સલાહ આપી છે.
નિષ્ણાંતોના માટે ડોનાલ્ડ ટ્રમ્પના આ નિર્ણયથી ટેસ્લાને ફાયદો થઈ શકે છે.