ટેરિફથી અમેરિકા મજબૂત બન્યું: ડૉનાલ્ડ ટ્રમ્પે જંગી આવક થયાનો કર્યો દાવો, જાણો કેટલી રકમ મળી

વોશિંગટન ડીસી: વર્ષ 2025માં અમેરિકાએ વિશ્વના દેશો પર જુદા જુદા દરનો ટેરિફ લાદવાનો નિર્ણય કર્યો હતો. જેના પરિણામે વિશ્વના દેશો આજે અમેરિકાને ટેરિફની ભરપાઇ કરી રહ્યા છે. જેની અસર અમેરિકાના અર્થતંત્ર પર પડી રહી છે. ટેરિફથી અમેરિકાને મોટી આવક થઈ હોવાનો ડૉનાલ્ડ ટ્ર્મ્પે દાવો કર્યો છે.
ભગવાન અમેરિકા પર કૃપા વરસાવે
ટ્રુથ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ડૉનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે, “અમે ટેરિફના રૂપમાં 600 બિલિયન ડૉલરથી વધુની રકમ મેળવી છે અને બહુ જલ્દી તેનાથી વધારે મેળવીશું. પરંતુ ફેક ન્યૂઝ મીડિયા આના વિશે વાત કરવાનો ઇન્કાર કરે છે. કારણ કે તે અમારા દેશથી નફરત કરે છે અને અનાદર કરે છે. યુએસ સુપ્રીમ કોર્ટનો આગામી ટેરિફ નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માંગે છે, જે અત્યારસુધીના સૌથી મહત્ત્વપૂર્ણ નિર્ણયો પૈકીનો એક છે. ટેરિફના કારણે, અમારો દેશ નાણાકીય રીતે અને રાષ્ટ્રીય સુરક્ષાના દૃષ્ટિકોણથી પહેલાં કરતાં વધારે મજબૂત અને સમ્માનિત બન્યો છે. ભગવાન અમેરિકા પર કૃપા વરસાવે. રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ જે. ટ્ર્મ્પ.”

ટ્રમ્પના દાવા અને વિરોધાભાસ
વિવિધ આર્થિક અહેવાલો મુજબ અમેરિકાની ટેરિફ આવક 200-220 બિલિયન ડૉલર રહેવાની શક્યતા છે, જ્યારે ટ્રમ્પ આ આંકડો 600 બિલિયન ડૉલર ગણાવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્વારા સત્તાના દુરુપયોગના આરોપો હેઠળ અમેરિકી સુપ્રીમ કોર્ટ આ ટેરિફ સિસ્ટમની તપાસ કરી રહી છે. નવેમ્બર 2025માં સુનાવણી બાદ કોર્ટે પોતાનો આખરી નિર્ણય 2026 સુધી મુલતવી રાખ્યો છે. જ્યારે ટ્રમ્પે આક્ષેપ કર્યો છે કે, મીડિયા અને વિરોધીઓ સુપ્રીમ કોર્ટના નિર્ણયને પ્રભાવિત કરવા માટે ખોટા આંકડા રજૂ કરી રહ્યા છે.
પીએમ મોદી ખૂબ સારા આદમી છે
ભારત અને રશિયા વચ્ચે દ્વિપક્ષીય વેપારને લઈ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત મોટું નિવેદન આપ્યું છે. તેમણે અર્થતંત્રની વર્તમાન સ્થિતિ તથા ટેરિફ નીતિનો ઉલ્લેખ કરીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લીધું હતું. વ્હાઇટ હાઉસ તરફથી બહાર પાડવામાં આવેલા ઓડિયો સંદેશમાં ટ્રમ્પે કહ્યું- ટેરિફ નીતિના કારણે ભારતે કથિત રીતે રશિયા પાસેથી ઓઈલ આયાત કરવાના નિર્ણય પર ફરી વિચારણા કરવી પડશે. તેમણે વેનેઝુએલામાં સૈન્ય અભિયાન ઉપરાંત દેશની આર્થિક સ્થિતિ પર પણ ટિપ્પણી કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ભારતના રશિયા પાસેથી ઓઈલ આયાત પર રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે કહ્યું, તેઓ મને ખુશ કરવા માંગતા હતી. પીએમ મોદી ખૂબ સારા આદમી છે. તેમને ખબર હતી કે હું નાખુશ છું, મને ખુશ કરવો જરૂરી હતો. અમે તેમના પર ટૂંક સમયમાં ટેરિફ વધારી શકીએ છીએ. ટ્રમ્પે ઓગસ્ટ 2025માં ભારત પર ટેરિફ 50 ટકા કરવા પાછળ રશિયા સાથે ઓઈલ ટ્રેડનું કારણ જણાવ્યું હતું.
આ પણ વાંચો…વેનેઝુએલા પર હુમલા બાદ શી જિનપિંગનો અમેરિકા પર પ્રહાર, કહ્યું વિશ્વમાં એકતરફી દાદાગીરી વધી



