ટ્રમ્પે બ્રિક્સને અમેરિકા વિરોધી ગણાવ્યું, વધારાના 10% ટેરિફની ધમકી આપી

નવી દિલ્હી: હાલ બ્રાઝિલના રિયો ડી જેનેરિયોમાં બ્રિક્સની 17મી સમિટ યોજાઈ (17th BRICS Summit) રહી છે, જેમાં સભ્ય દેશોના નેતાઓ વિવિધ મુદ્દે ચર્ચા કરી રહ્યા છે. એવામાં યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) બ્રિક્સથી નારાજ જણાઈ રહ્યા છે. ટ્રમ્પે તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર બ્રિક્સને “અમેરિકન વિરોધી નીતિઓ” સાથે જોડાયેલું જૂથ ગણાવ્યું અને તેના સભ્ય દેશો પર વધારાનો 10% ટેરિફ લાગુ કરવા ધમકી આપી.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટમાં લખ્યું, “જો કોઈપણ દેશ જે અમેરિકા વિરોધી બ્રિક્સની નીતિઓ સાથે જોડાશે તેના પર વધારાનો 10% ટેરિફ લાગશે. આ નીતિમાં કોઈ અપવાદ રહેશે નહીં. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર!”
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એમ પણ લખ્યું કે, “મને જાહેરાત કરતા આનંદ થાય છે કે સોમવાર, 7 જુલાઈના રોજ બપોરે 12:00 વાગ્યે (પૂર્વીય) યુનાઇટેડ સ્ટેટ્સના ટેરિફ લેટર્સ અને કરારો પહોંચાડવામાં વિશ્વભરના વિવિધ દેશોને મોકલવામાં આવશે.”
ટ્રમ્પના બ્રિક્સના સંયુક્ત નિવેદનથી નારાજ!
નોંધનીય છે કે બ્રિક્સ દેશોએ રવિવારે એક સંયુક્ત નિવેદન જાહેર કર્યું હતું, જેમાં અમેરિકા અને ટ્રમ્પનું નામ લીધા વિના ટેરીફની ટીકા કરવામાં આવી હતી. નિવેદનમાં બ્રિક્સ સભ્યોએ એકપક્ષીય ટેરિફમાં વધારા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી, અને કહ્યું હતું કે ટેરિફને કારણે વૈશ્વિક અર્થતંત્રને નુકસાન પહોંચી શકે છે. બ્રિક્સમાં સામેલ બ્રાઝિલ, ભારત અને સાઉદી અરેબિયા યુએસના મિત્ર દેશો છે, જેને ધ્યાનમાં રાખીને, નિવેદનમાં અમેરિકા કે ટ્રમ્પ નામ લેવામાં આવ્યું ન હતું.
વૈશ્વિક અર્થતંત્રને પહોંચી શકે છે માઠી અસર!
BRICS એ દસ દેશોનું બનેલું આંતર-સરકારી સંગઠન છે. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત, ઇથોપિયા, ઇન્ડોનેશિયા, ઈરાન અને સંયુક્ત આરબ અમીરાત આ જૂથના સભ્યો છે. આ દેશો વિશ્વની લગભગ અડધી વસ્તી રહે છે અને વૈશ્વિક આર્થિક ઉત્પાદનમાં આ દેશોનો 40 ટકા હિસ્સો છે, માટે આ દેશો પર વધુ ટેરીફ લાગવાથી વૈશ્વિક અર્થતંત્રને માઠી અસર પહોંચી શકે છે.
આ પણ વાંચો…બ્રાઝિલમાં બ્રિક્સ સમિટમાં PM મોદીએ આપી હાજરી, વૈશ્વિક સંસ્થાઓમાં સુધારણાની જરૂરિયાત પર મૂક્યો ભાર