પાકિસ્તાનમાં બબાલઃ ટીએલપી પ્રદર્શનકારી અને સુરક્ષાદળો વચ્ચે હિંસક જૂથ-અથડામણ, દસથી વધુ લોકોનાં મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં બબાલઃ ટીએલપી પ્રદર્શનકારી અને સુરક્ષાદળો વચ્ચે હિંસક જૂથ-અથડામણ, દસથી વધુ લોકોનાં મોત

લાહોરઃ પાકિસ્તાનમાં ફરી એક વાર અંદરોઅંદર જૂથ-અથડામણ હિંસક બની છે. લાહોર અને મુરીદકમાં તહરી-એ-લબ્બૈક પાકિસ્તાનના જૂથે પેલેસ્ટાઈનના સપોર્ટમાં પ્રદર્શનો કર્યા હતા. આ પ્રદર્શન દરમિયાન સુરક્ષાદળો અને પ્રદર્શનકારિયો વચ્ચે ઉગ્ર તણાવ સર્જાયો હતો. આ માર્ચ ગુરુવારથી શરૂ થઈ હતી. ઇઝરાયલના ગાઝા પરના હુમલાઓની નિંદા કરવા અને અમેરિકાએ બનાવેલા સીઝફાયર વિરુદ્ધ હતો, જેમાં 10થી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે પચાસથી વધુ પોલીસકર્મી પણ ઘાયલ થયા છે.

લાહોરમાં શાળાઓ-કોલેજો બંધ થઈ હતી, લોકોને રસ્તાઓ પર અટકાવવામાં આવ્યા અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરવાની ફરજ પડી હતી. આ ઘટના પાકિસ્તાનની આંતરિક અસ્થિરતા અને વૈશ્વિક મુદ્દાઓ વચ્ચેના જટિલ સંબંધોને ઉજાગર કરે છે, પરિણામે હિંસાનો માહોલ ઊભો થયો છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે લાહોર અને મુરીદકેમાં TLPના પ્રદર્શનકારીઓ અને પંજાબ પોલીસ વચ્ચે ઉગ્ર હિંસા થઈ હતી, જેમાં પોલીસે પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કરી અને ટિયર ગેસનો ઉપયોગ કર્યો હતો. TLPએ દાવો કર્યો છે કે પોલીસ અને રેન્જર્સે 10થી વધુ સમર્થકોના મોતનું કારણ બન્યા, જ્યારે 70થી વધુ ઘાયલ થયા હતા.
બીજી તરફ, પોલીસે જણાવ્યું કે 50થી વધુ અધિકારી પથ્થરમારામાં ઘાયલ થયા હતા અને કેટલાક અધિકારીઓ ગુમ થયાની માહિતી મળી રહી છે. આ આંદોલનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ વાહનોને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

પ્રદર્શનકારીઓના આરોપો

TLPએ આરોપ લગાવ્યો કે સુરક્ષા દળોએ અત્યાધુનિક હથિયારો અને અનિયંત્રિત ગોળીબારથી તેમના સમર્થકો પર હુમલો કર્યો, જેમાં યાતીમ ખાના ચોક, ચૌબુર્જી, આઝાદી ચોક અને શાહદરા જેવા મુખ્ય વિસ્તારોમાં બેરિકેડ્સ તોડી નાખ્યા. પોલીસે જવાબમાં ખારિયાં શહેરમાં GT રોડ પર ખાડા ખોદી વાહનોની હિલચાલ અટકાવી, જ્યારે સરાય આલમગીરમાં ઝેલમ પુલ અને ચેનાબ નદીના વજીરાબાદ તરફ પણ ખાડા ખોદીને પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો. આ ટકરાવથી લાહોરમાં વ્યાપાર અને રોજિંદા જીવન અસરગ્રસ્ત થયું, અને અધિકારીઓએ 170થી વધુ TLP કાર્યકર્તાઓને ધરપકડ કરી.

આ મામલે TLPના પ્રવક્તાએ કહ્યું કે ‘લબ્બૈક યા અક્સા મિલિયન માર્ચ’ને રોકવા માટે મરિયમ નવાઝની પંજાબ સરકારે અપમાનજનક કાર્યવાહી કરી છે. તેમના કાર્યકર્તાઓ પર અત્યાચાર બંધ થવા જોઈએ. આ માર્ચ ઇઝરાયલ-હમાસ વચ્ચે અમેરિકા-મધ્યસ્થીના સીઝફાયર વિરુદ્ધની હતી, જેનો TLPએ વિરોધ કર્યો. પાર્ટી પ્રમુખ સાદ હુસૈન રિઝવીએ જુમા નમાજમાં કહ્યું કે ‘શહીદી અમારું ભાગ્ય છે’, અને માર્ચને આગળ વધારવાનું વચન આપ્યું.

આ વિરોધને કારણે ઇસ્લામાબાદ અને રાવલપિંડીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ અટકાવી દેવામાં આવી, અને મુખ્ય રસ્તાઓ પર શિપિંગ કન્ટેનર્સથી અવરોધો ઊભા કરાયા. પ્રધાનમંત્રી શેહબાઝ શરીફ અને આંતરિક મંત્રી મોહસિન નકવીએ પરિસ્થિતિની સમીક્ષા કરી, અને TLPને માર્ચ રદ કરવાની અપીલ કરી. આ ઘટના TLPના વારંવારના વિવાદાસ્પદ વિરોધોનું એક નવું અધ્યાય છે, જે પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય સીમાઓ પરના તણાવ સાથે જોડાઈને દેશની રાજકીય અસ્થિરતાને વધારી રહ્યું છે.

આ પણ વાંચો…પાકિસ્તાનનો અફઘાનિસ્તાનમાં કંધાર સહિત અનેક રહેણાંક વિસ્તારો પર ડ્રોન હુમલો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button