‘થર્ડ વર્લ્ડ’ દેશોમાંથી અમેરિકામાં ઈમિગ્રેશન કાયમી ધોરણે બંધ થશે! ટ્રમ્પની મોટી જાહેરાત

વોશિંગ્ટન ડી સી: યુનાઇટેડ સ્ટેટ્સના પાટનગર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઇટ હાઉસ નજીક અફઘાન નાગરિક દ્વારા કરવામાં આવેલા ગોળીબારમાં બે નેશનલ ગાર્ડના મોત થયા છે. આ ઘટનાથી યુએસ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રોષે ભરાયા છે. એવામાં ટ્રમ્પે ત્રીજા વિશ્વના કહેવાતા તમામ દેશોમાંથી કાયમી ધોરણે ઈમિગ્રેશન રોકવાની જાહેરાત કરી છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી તેઓ ત્રીજા વિશ્વના તમામ દેશોમાંથી ઈમિગ્રેશનને કાયમી ધોરણે રોકી દેશે. તેમણે કહ્યું કે યુએસની સિસ્ટમ “સંપૂર્ણપણે સ્વસ્થ” થવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રમ્પના આ નિર્ણયની મોટાપાયે વૈશ્વિક અસરોથશે. નોકરી, શિક્ષણ કે અન્ય હેતુથી યુએસ જવા ઈચ્છતા લાખો લોકો માટે મુશ્કેલી ઉભી થશે અને યુએસમાં વસતા ઇમિગ્રન્ટને પણ અસર થઇ શકે છે.
ટ્રમ્પે લખ્યું કે જ્યારે અમેરિકાએ ટેકનોલોજી ક્ષેત્રે સારી રીતે પ્રગતિ કરી છે, ત્યારે ઇમિગ્રેશન પોલીસીને કારણે આ પ્રગતિના લાભો અને અને રહેવાની પરિસ્થિતિઓને નબળી પાડી છે.
મોટી જાહેરાત કરતા ટ્રમ્પે લખ્યું, “યુ.એસ. સિસ્ટમને સંપૂર્ણપણે સ્વસ્થ ન થાય, ત્યાં સુધી હું થર્ડ વર્લ્ડના તમામ દેશોમાંથી ઈમિગ્રેશનને કાયમી ધોરણે રોકી દઈશ.”
વિદેશી નાગરિકના દેશનિકાલની ચેતવણી:
ટ્રમ્પે યુએસમાં વસતા ઇમિગ્રન્ટ્સને ચેતવણી આપતા લખ્યું, “ઊંઘતા રહેતા બાઈડેન દ્વારા ગેરકાયદેસર રીતે જેમને પ્રવેશ આપવામાં આવ્યો છે અને જેઓ યુનાઇટેડ સ્ટેટ્સની સંપત્તિ નથી અથવા આપણા દેશને પ્રેમ નથી કરતા, તેવા તમામ લોકોને હું બહાર કાઢીશ.
આપણા દેશમાં રહેતા બિન-નાગરિકોને મળતા તમામ ફેડરલ લાભો અને સબસિડીનો બંધ કરીશ. જાહેર અપરાધ સાથે જોડાયેલા, સુરક્ષાને જોખમરૂપ અથવા પશ્ચિમી સંસ્કૃતિ સાથે અસંગત હોય તેબા કોઈપણ વિદેશી નાગરિકને દેશનિકાલ કરીશ.”
ટ્રમ્પે લખ્યું, “ગેરકાયદેસર અને વિક્ષેપકારક વસ્તીમાં મોટો ઘટાડો કરવાના ઉદ્દેશ્ય સાથે કામ કરવામાં આવશે.”
પોસ્ટનો અંતે ટ્રમ્પે કડક શબ્દોમાં લખ્યું, “બધાને થેન્ક્સ ગીવીંગની શુભેચ્છા , સિવાય કે જેઓ અમેરિકાને ધિક્કારે છે, ચોરી કરે છે, હત્યા કરે છે અને તોડફોડ કરે છે, તમે અહીં લાંબા સમય સુધી નહીં રહેશો!”
આ પણ વાંચો…કેનેડામાં સિટીઝન કાયદા મુદ્દે મોટો નિર્ણય, ભારતીય મૂળના નાગરિકોને પણ થશે અસર



