8 મિનિટમાં થઈ રૂ. 800 કરોડની ચોરી: ફ્રાન્સના મ્યુઝિયમમાં કઈ રીતે થઈ હતી ચોરી, જાણો અસલી કારણ?

પેરિસ: સામાન્ય રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરતા લોકોને સ્ટ્રોંગ પાસવર્ડ રાખવાની ભલામણ કરવામાં આવે છે. આ સિવાય ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ તથા નેટ બેંકિગ જેવા એકાઉન્ટના પાસવર્ડ પણ સરળ ન રાખવાનું કહેવામાં આવે છે.
આવી ભલામણો છતાં એક જગ્યાએ નબળા પાસવર્ડના કારણે રૂ. 800 કરોડની ચોરી થઈ ગઈ છે. આ જગ્યા કોઈનું ઘર નહીં પણ એક મ્યુઝિયમ છે. આ મ્યુઝિયમ ક્યાં આવેલું છે અને ત્યાં ચોરી કેવી રીતે થઈ આવો જાણીએ અસલી કારણ.
આપણ વાચો: દેશમાં 341 કરોડની જીએસટી ચોરીના તાર ગુજરાત અને પંજાબ સાથે જોડાયા હોવાની આશંકા
8 મિનિટમાં થઈ રૂ. 800 કરોડની ચોરી
ફ્રાન્સ ખાતે લુવ્ર મ્યુઝિયમ આવેલું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ લુવ્ર મ્યુઝિયમમાં સુરક્ષા અને જાળવણી સંબંધિત અસંખ્ય સમસ્યાઓ દાયકાઓથી ચાલી રહી છે, પરંતુ તેનો ક્યારેય સંપૂર્ણ ઉકેલ લાવવામાં આવ્યો નથી. જેના કારણે તાજેતરમાં આ મ્યુઝિયમમાં એક મોટી ચોરી થઈ હતી.
19 ઓક્ટોબર 2025ના ચોરોએ ફિલ્મી ઢબે બાસ્કેટબોલ લિફ્ટનો ઉપયોગ કરીને લુવ્ર મ્યુઝિયમની દીવાલ પર ચઢ્યા હતા ત્યાર બાદ બારી તોડીને અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં ડિસ્પ્લે કેસ તોડીને કિંમતી ઝવેરાત લઈને ફરાર થયા હતા. જેની કિંમત 8.8 યુરો (અંદાજે રૂ. 800 કરોડ) આંકવામાં આવે છે. ચારેય ચોરને રૂ. 800 કરોડના ઝવેરાત ચોરી કરવામાં માત્ર 8 મિનિટનો સમય લાગ્યો હતો.
ફ્રાન્સ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે અને કેટલાક લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. જોકે, આ ઘટનાએ વિશ્વભરના આર્ટ કલેક્શન્સની સુરક્ષા સામે મોટો પ્રશ્ન ઊભો કર્યો છે.
જોકે, લુવ્ર મ્યુઝિયમની સુરક્ષાને લઈને અગાઉથી જ ઘણી ચેતવણીઓ આપવામાં આવી હતી. ડિસેમ્બર 2014માં, ફ્રાન્સની રાષ્ટ્રીય એજન્સી અંસી (ANSSI) દ્વારા મ્યુઝિયમની IT સિસ્ટમનું ઓડિટ કરવામાં આવ્યું હતું. આ ઓડિટમાં એલાર્મ, વીડિયો સર્વેલન્સ અને એક્સેસ કંટ્રોલ સાથે જોડાયેલા સુરક્ષા નેટવર્કની સમીક્ષા કરવામાં આવી હતી.
આપણ વાચો: બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં ડ્રગ્સની દાણચોરી કરતી ગેંગ પર પોલીસના દરોડા, 64 લોકોના મોત…
મ્યુઝિયમની IT સિસ્ટમ પર ઊઠ્યા સવાલ
ફ્રાન્સની રાષ્ટ્રીય એજન્સીએ પોતાનો 26 પાનાનો અહેવાલ રજૂ કર્યો હતો, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું કે, મ્યુઝિયમના પાસવર્ડ અત્યંત નબળા હતા. માત્ર “LOUVRE” લખીને વીડિયો સર્વેલન્સ સર્વરનું એક્સેસ મળી જતું હતું. જ્યારે THALES લખવાથી અન્ય સોફ્ટવેર પણ ખૂલી જતા હતા. આ સોફ્ટવેર Thales ગૃપ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે રિપોર્ટ રજૂ કરનારી એજન્સીએ ચેતવણી આપી હતી કે, સુરક્ષા નેટવર્કમાં રહેલી ખામીઓને કારણે હેકર્સ સરળતાથી આંતરિક સિસ્ટમને એક્સેસ કરી શકે છે અને બેજ એક્સેસ અથવા વીડિયો ફીડ્સમાં ફેરફાર કરી શકે છે.
ANSSI એ મ્યુઝિયમને પાસવર્ડ મજબૂત કરવા અને સિસ્ટમ અપગ્રેડ કરવાની સલાહ આપી હતી, જોકે મ્યુઝિયમે ક્યારેય જાહેરમાં આ નિર્દેશોના પાલન વિશે સ્પષ્ટતા કરી નથી. 2017માં પણ સમાન ઓડિટમાં આવી જ સમસ્યાઓ મળી આવી હતી.



