
આઇસલેન્ડના વડા પ્રધાન કેટરીન જેકોબ્સડોટીર પોતે મહિલાઓને પુરૂષો સમાન વેતન મળે અને મહિલાઓ પર હિંસાનો અંત આવે એવી માંગણી કરી રહેલા મહિલા કામદારો સાથે હડતાલ પર ઉતરી ગયા હતા. આ અભૂતપૂર્વ હડતાલને કારણે દેશભરમાં શાળાઓ બંધ રહી હતી, જાહેર પરિવહનમાં વિલંબ થયો અને હોસ્પિટલોમાં સ્ટાફની અછત થઈ. સ્ટાફની અછતને જોતા ટીવી અને રેડિયોના પ્રસારણમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો.
પીએમ કેટરિને આશા વ્યક્ત કરી કે તેમની કેબિનેટની અન્ય મહિલાઓ પણ આવું જ કરશે. આઇસલેન્ડના ટ્રેડ યુનિયનો, જેમણે હડતાલની હાકલ કરી હતી મહિલાઓને ઘરેલું કામ સહિત પેઇડ અને અનપેઈડ બંને કામથી દૂર રહેવા જણાવ્યું હતું. અહીંના 90 ટકા કર્મચારીઓ આ યુનિયનોનો ભાગ છે. આઇસલેન્ડમાં અગાઉની મોટી હડતાલ 24 ઓક્ટોબર, 1975ના રોજ થઈ હતી. તે સમયે પણ 90 ટકા મહિલા કર્મચારીઓ કામના સ્થળે થતા ભેદભાવના વિરોધમાં રસ્તા પર ઉતરી આવી હતી.
3.80 લાખની વસ્તી ધરાવતો આઇસલેન્ડ દેશ 14 વર્ષથી લિંગ સમાનતામાં ટોચ પર છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ અનુસાર, અન્ય કોઈ દેશે વેતન અને અન્ય પરિબળોમાં સંપૂર્ણ સમાનતા હાંસલ કરી નથી. આમ છતાં આઇસલેન્ડમાં વેતનની અસમાનતા સામે રોષ છે.