ગેટ્સ ફાઉન્ડેશને હેલ્થ ઈનોવેશન માટે 8.6 બિલિયન ડૉલરના રેકોર્ડ વાર્ષિક બજેટની જાહેરાત કરી
દાવોસઃ બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશને સોમવારે 2024 માટે 8.6 બિલિયન અમેરિકન ડોલરનું સૌથી મોટું વાર્ષિક બજેટ જાહેર કર્યું હતું અને જણાવ્યું હતું તે આ બજેટનો એક ભાગ હેલ્થ ઈનોવેશનને આગળ વધારવા માટે ખર્ચવામાં આવશે. આ બજેટ ગત વર્ષ કરતા ચાર ટકા વધુ છે. બિલ અને મેલિન્ડા ગેટ્સ ફાઉન્ડેશન 2026 સુધીમાં તેના વાર્ષિક ખર્ચને 9 બિલિયન અમેરિકન ડૉલર સુધી વધારવા માટે પણ પ્રતિબદ્ધ છે.
દાવોસમાં World Economic Forum (WEF)ની વાર્ષિક બેઠક પહેલા ગેટ્સ ફાઉન્ડેશને આ જાહેરાત કરી હતી. આ પ્રસંગે બિલ ગેટ્સે જણાવ્યું હતું કે આપણે સ્વાસ્થ્યના ભવિષ્ય વિશે વાત કર્યા વિના માનવતાના ભવિષ્ય વિશે વાત કરી શકીએ નહીં. બિલ ગેટ્સે જણાવ્યું હતું કે, દરરોજ નવજાત શિશુએ અને બાળકોના મૃત્યુ થાય છે.
બાળકને જન્મ આપતી વખતે માતાનું પણ મૃત્યુથાય છે, જેને કારણે પરિવાર બરબાદ થઇ જાય છે. આ બધી બાબતોએ મારી ઉંઘ હરામ કરી દીધી છે. આ અસ્વીકાર્ય છે, ખાસ કરીને એવા સમયે જ્યારે આપણે પહેલાથી જ ઘણા ઉકેલો વિક્સાવ્યા છે જે જીવનને બચાવી શકે છે. એક મજબૂત, સ્થિર વિશ્વ નિર્માણનો પાયો માત્ર સારા સ્વાસ્થ્યના આધાર પર જ નભી શકે છે.
ગેટ્સ ફાઉન્ડેશનના કો-ચેરમેન મેલિન્ડા ફ્રેન્ચ ગેટ્સે જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્વાસ્થ્યમાં રોકાણ કરવું એટલે આપણા ભવિષ્યમાં રોકાણ કરવું. જ્યારે વિશ્વ સાબિત થયેલા ઉકેલોમાં રોકાણ કરે છે, તો તે આવનારી પેઢીઓ માટે મજબૂત અને સ્વસ્થ સમુદાયનું નિર્માણ કરે છે.