પત્તાના મહેલ માફક ઢળી પડી પેલેસ્ટાઈન યુનિવર્સિટીની ઇમારત, અમેરિકાએ ઇઝરાયલ પાસે માંગ્યો જવાબ

સોશિયલ મિડયામાં એક વિડીયો વાયરલ થયો છે જેમાં કથિત રૂપે દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાઝામાં પેલેસ્ટાઈન યુનિવર્સિટીના મેઇન કેમ્પસ બિલ્ડીંગને ઈઝરાયલી ડિફેન્સ ફોર્સિસ (IDF) દ્વારા નિશાન બનાવાયું છે (Israel Allegedly Bombs Gaza University). તેવામાં અમેરિકાએ આ વાયરલ વિડીયો અંગે ઈઝરાયલ પાસેથી સ્પષ્ટતા માંગી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિડિયોમાં વિસ્ફોટ પહેલા યુનિવર્સિટીની ઇમારત જોઈ શકાય છે, અને માનવમાં આવે છે કે વિસ્ફોટ કદાચ અંદર છુપાયેલા બોમ્બને કારણે થયો હતો. વિસ્ફોટ પછી યુનિવર્સિટીની ઇમારત પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગઈ હતી. જોકે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા ડેવિડ મિલરે અપૂરતી માહિતીને ટાંકીને વીડિયો પર પોતાની પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું.
દક્ષિણ ગાઝાના મુખ્ય શહેર ખાન યુનિસમાં સાક્ષીઓના અહેવાલોમાં તોપમારો અને હવાઈ હુમલાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયેલની સેનાએ આ વિસ્તારને હમાસના સભ્યો અને નેતાઓનો ગઢ હોવાનો દાવો કરીને નિશાન બનાવ્યું હતું.
પેલેસ્ટિનિયન રેડ ક્રેસન્ટે હમાસ-નિયંત્રિત ગાઝાના આરોગ્ય મંત્રાલયની સાથે અલ-અમાલ હોસ્પિટલ નજીક આર્ટિલરી ફાયરની જાણ કરી, જેમાં રાતોરાત 77 મૃત્યુની પુષ્ટિ થઈ હતી.
AFPના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે, ઇઝરાયેલી સેનાની ગિવતી બ્રિગેડે ટેન્ક ફાયર અને એર સપોર્ટનો ઉપયોગ કરીને ડઝનેક આતંકવાદીઓને ખતમ કરવાનો દાવો કર્યો છે. યુનાઈટેડ નેશન્સે કહ્યું છે કે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હમાસના હુમલાથી શરૂ થયેલા વર્તમાન સંઘર્ષમાં ગાઝાની 24 લાખ વસ્તીમાંથી લગભગ 85 ટકા લોકો વિસ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ઘણા લોકો હવે આશ્રયસ્થાનોમાં ફસાયેલા છે. અને આ ફસાયેલા લોકને ખોરાક, પાણી, ઈંધણ અને મેડિકલ સુવિધા જેવી સુવિધાઓ પહોંચાડવામાં પડકારોનો સામનો કરવો પડે છે.