પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલોઃ લેફ્ટનન્ટ કર્નલ, મેજર સહિત 11 જવાનનાં મોત

ખૈબર પખ્તુનખ્વા: આતંકવાદને પોષનાર પાકિસ્તાનને જ હવે આતંકવાદ સતાવી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ઓરકઝાઈ જિલ્લામાં મોટો આતંકવાદી હુમલો થયો છે, જેમાં એક લેફ્ટનન્ટ કર્નલ અને એક મેજર સહિત પાકિસ્તાની સેનાના 11 જવાનનાં મોત થયા છે. આ હુમલાની જવાબદારી પ્રતિબંધિત સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ લીધી છે.

19 આતંકીઓને સેનાએ ઠાર કર્યા

પાકિસ્તાની સેનાની મીડિયા વિંગ, ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR), દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, 7-8 ઓક્ટોબરની રાત્રે અફઘાનિસ્તાનની સરહદ નજીક ઓરકઝાઈ જિલ્લામાં અથડામણ થઈ હતી. આ કાર્યવાહી “ફિત્ના અલ-ખ્વારીજ” તરીકે ઓળખાતા TTPના આતંકવાદીઓની હાજરીના આધારે કરવામાં આવી હતી. ભારે ગોળીબારના આ ઓપરેશન દરમિયાન સુરક્ષા દળોએ 19 આતંકવાદીઓને ઠાર કર્યા હતા.

જોકે, આ અથડામણમાં પાકિસ્તાની સેનાને પણ મોટું નુકસાન થયું છે, જેમાં બે વરિષ્ઠ અધિકારીઓ સહિત 11 સૈનિક માર્યા ગયા છે. અહીંના વિસ્તારમાં હજુ સર્ચ ઓપરેશન ચાલુ છે.

TTP કયા ઉદ્દેશ્યથી કામ કરે છે?

TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન) એ અનેક નાના-મોટા જૂથોનું ગઠબંધન છે, જેની સ્થાપના દક્ષિણ વઝીરિસ્તાનના પ્રભાવશાળી નેતા બૈતુલ્લાહ મહેસુદે કરી હતી. તેના મૂળ અફઘાનિસ્તાનમાં તાલિબાન ચળવળમાં છે, પરંતુ તે પાકિસ્તાનમાં સ્વતંત્ર રીતે સક્રિય છે. 2020થી, TTPએ વિભાજિત જૂથોને ફરીથી એકઠા કર્યા છે, જેના કારણે ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન જેવા પ્રાંતોમાં હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે.

2025માં વધી હિંસાની ઘટનાઓ

નવા ડેટા અનુસાર, 2025ના ત્રીજા ક્વાર્ટરમાં ખૈબર પખ્તુનખ્વા દેશનો સૌથી વધુ હિંસાગ્રસ્ત પ્રદેશ હતો. સેન્ટર ફોર રિસર્ચ એન્ડ સિક્યુરિટી સ્ટડીઝ (CRSS) દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, દેશમાં હિંસા સંબંધિત કુલ મૃત્યુમાંથી લગભગ 71 ટકા (638) અને 67 ટકાથી વધુ (221) હિંસાની ઘટનાઓ આ જ પ્રાંતમાં બની હતી. આ બંને પ્રાંતો – ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાન – અફઘાનિસ્તાન સાથે સરહદો ધરાવે છે.

આપણ વાંચો : મોરબીનો મુસ્લિમ યુવક કઈ રીતે રશિયન આર્મીમાં થયો ભરતી? ડ્રગ્સ કેસમાં દોષિત ઠર્યો ને…………

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button