ચાઇનીઝ આયાતમાં દસ ટકાનો વધારો: ડમ્પિંગ રોકવા માલસામાનની આયાત પર સત્તાવાળાની ચાંપતી નજર…

મુંબઇ : અમેરિકા તથા ચીન વચ્ચે ટેરિફ વોર ચરમ સીમાએ પહોંચવાની શકયતાને ધ્યાનમાં રાખી ભારતના સત્તાવાળાઓએ દેશમાં થતી આયાત ખાસ કરીને ચીન ખાતેથી આયાત પર સખત દેખરેખ રાખવાનું શરૂ કરી દીધું છે. પાછલા કેટલાક સમયથી આમ પણ ચાઇનીઝ પ્રોડકટ્સની આયાતમાં એકધારો વધારો થઇ રહ્યો છે.
અમેરિકા દ્વારા ચીનના માલસામાન પર જંગી રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરાતા અમેરિકામાં ચીનના માલના ભાવ ઊંચકાઈ જશે અને ઊંચા ભાવે ખપત નહીં થવાની સ્થિતિમાં ચીન પોતાના માલસામાનને અન્ય દેશોમાં ડમ્પિંગ કરશે તેવી શકયતા વધી ગઈ છે. દેશના વાણિજ્ય મંત્રાલય દ્વારા છેલ્લા બે દિવસમાં અનેક મીટિંગો યોજાઈ ગયાનું સરકારી સુત્રોએ જણાવ્યું હતું.
પોતાના માલભરાવાને દૂર કરવા ચીન ભારતના ખરીદદારોને સસ્તા ભાવે માલ ઓફર કરે તેવી શકયતા પણ નકારાતી નથી. અમેરિકાની રેસિપ્રોકલ ડયૂટીનો સૌથી મોટો ફટકો ચીન અને વિયેતનામને પડી શકે છે. ચીનના અનેક માલસામાન પર ભારત હાલમાં એન્ટી ડમ્પિંગની તપાસ કરી રહ્યું છે. જે માલસામાનના ડમ્પિંગની તપાસ ચાલુ છે તેમાં કેમકિલ્સ, ગ્લાસ ફાઈબર્સ, કોક, ક્રેન્સ વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: ટેરિફ મુદ્દે ચીન-અમેરિકા આમને સામનેઃ અમેરિકાના સામાન પર ‘ડ્રેગન’ વસૂલશે 34 ટકા ટેરિફ…
અમેરિકા ખાતે ચીને આ અગાઉથી જ વેપાર વ્યવહાર ઘટાડીને તેણે ભારતમાં વધુ માલ વેચવાનું શરૂ કરી દીધું છે.
આમછતાં દેશના ઉદ્યોગોને હાનિ ન પહોંચે તેની ખાતરી રાખવા ભારતે પોતાની યંત્રણાઓને સજ્જ રાખી હોવાનું પણ સુત્રોએ જણાવ્યું હતું. સમાપ્ત થયેલા નાણાં વર્ષના એપ્રિલથી ફેબુ્રઆરીના ગાળામાં ભારતે ચીન ખાતેથી 103.70 અબજ ડોલરની આયાત કરી છે. જે વાર્ષિક ધોરણે 10.40 ટકા વધુ હતી, જ્યારે ચીન ખાતે ભારતની નિકાસ આ ગાળામાં 15.70 ટકા ઘટી 12.70 અબજ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.