ભારતીય નર્સ નિમિષા પ્રિયાની રદ થયેલી સજા પર ‘સંકટ’: પીડિત પરિવારે ફાંસીની માંગ કરી

સના: યમનની કોર્ટમાં ચાલેલો તલાલ અબ્દો મહદી હત્યા કેસ સમગ્ર વિશ્વમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. તલાલ અબ્દો મહદીની હત્યાના કેસમાં કેરળની નર્સ નિમિષા પ્રિયાને ફાંસીની સજા આપવામાં આવી હતી. ભારતના રાજદ્ધારીઓના પ્રયાસોના કારણે તેની સજા સ્થગિત કરવામાં આવી હતી. તાજેતરમાં નિમિષા પ્રિયાની સજા રદ્દ કરવામાં આવી હોવાની વાત પણ સામે આવી હતી. પરંતુ તેની રદ્દ કરેલી સજા સામે હવે ફરી સંકટના વાદળો ઘેરાયા છે.
તલાલના પરિવારે વાંધો ઉઠાવ્યો
‘ભારતના ગ્રાન્ડ મુફ્તી’ ગણાતા થાપુરમ એપી અબુબકર મુસલિયારના પ્રયાસોના પરિણામે યમનમાં તલાલ અબ્દો મહદીની હત્યાના ગુનામાં સજા ભોગવી રહેલી નિમિષા પ્રિયાની ફાંસીની સજા મુલતવી રાખવામાં આવી હતી. તાજેતરમાં કંથાપુરમ એપી અબુબક્કર મુસલૈયારની ઓફિસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “અગાઉ મુલતવી રાખવામાં આવેલી નિમિષા પ્રિયાની મૃત્યુદંડની સજાને હવે રદ કરવામાં આવી છે. સના (યમનનું પાટનગર)માં યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠકમાં અગાઉ અસ્થાયી રૂપે મુલતવી રાખવામાં આવેલી મૃત્યુદંડની સજાને સંપૂર્ણપણે રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.” પરંતુ હવે તલાલ અબ્દો મહદીના પરિવારે યમનના એટર્ની જનરલને પત્ર લખીને આ અંગે પોતાની નારાજગી વ્યક્ત કરી છે.
નિમિષા પ્રિયાને સજા-એ-મોત આપો
તલાલ અબ્દો મહદીના ભાઈ અબ્દુલ ફતહ મહદીએ યમનના એટર્ની જનરલને પત્રમાં જણાવ્યું કે, “અમારો પરિવાર ‘દિનાહ’ એટલે કે ‘બ્લડ મની’ માટે રાજી નથી. તેથી જલ્દી સજા-એ-મોત આપવામાં આવે. આ નિર્ણયમાં જાણીજોઈને મોડું કરવામાં આવી રહ્યું છે, જે ન્યાયની વિરૂદ્ધ છે. અમે માંગ કરીએ છીએ કે, તેનો તરત અમલ કરવામાં આવે. 2025માં નિમિષા પ્રિયાની સજાની તારીખ નક્કી થઈ ગઈ હતી. એવા સંજોગોમાં હવે તેને વધારે દિવસો સુધી મુલતવી રાખવી યોગ્ય નથી.”
અમારો પરિવાર બ્લડ મની માટે રાજી નથી
પત્રમાં આગળ જણાવવામાં આવ્યું કે, “નિમિષાના કિસ્સામાં છેલ્લો અને બંધનકર્તા નિર્ણય આવી ગયો છે. તેમ છતાં બ્લડ મનીના નામે તેને રોકવામાં આવ્યો છે. આ યોગ્ય નથી. અમે કિસાસ હેઠળ ન્યાય માંગીએ છીએ. કુદરતમાં દરેકને ન્યાયનો અધિકાર મળેલો છે. અમારો પરિવાર બ્લડ મની માટે રાજી નથી. તેને લઈને જેઓ પ્રયાસ કરી રહ્યા છે, તેઓ પોતાની શક્તિ વેડફી રહ્યા છે. તેઓ નિમિષાના પરિવારજનો તથા તેના સમર્થકોનને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મારા ભાઈની હત્યા કોઈ બજારમાં મળતી વસ્તુ નથી, કે જેને લોકો ખરીદી શકે. અમે વેચાઈશું નહીં.”
આપણ વાંચો: નિમિષા પ્રિયાને જીવન દાન મળ્યું: યમનમાં મૃત્યુદંડની સજા રદ, ગ્રાન્ડ મુફ્તીએ જીવ બચાવ્યો
નિમિષા પ્રિયાની સજા રદ નહીં થાય?
ઉલ્લેખનીય છે કે, યમનના કાયદા મુજબ જો પીડિતનો પરિવાર રકમ સ્વીકારે તો દોષિતની સજા માફ કરી શકાય છે. અહેવાલ મુજબ નિમિષા પ્રિયાના પરિવારે આ કેસમાં માફી મેળવવા માટે મૃતકના પરિવારને ₹8.6 કરોડની ઓફર કરી છે. પરંતુ તલાલ અબ્દો મહદીના ભાઈ અબ્દુલ ફતહ મહદીએ યમનના એટર્ની જનરલને લખેલા પત્રમાં એ સ્પષ્ટ થઈ ગયું છે કે, તેનો પરિવાર ‘બ્લડ મની’ સ્વીકારી નિમિષા પ્રિયાની સજા રદ કરાવવા માટે રાજી નથી. તેથી હવે નિમિષા પ્રિયાની રદ કરાયેલી સજા પર ફરી સંકટ ઊભું થયું છે.