દક્ષિણ આફ્રિકામાં પૂરના કારણે તબાહીઃ મૃત્યુઆંક વધીને 57 થયો

કેપ ટાઉનઃ દક્ષિણ આફ્રિકાના સૌથી ગરીબ પ્રાંતોમાંના એકમાં પૂરમાં મૃત્યુઆંક ગુરુવારે 57 પર પહોંચી ગયો છે. એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સંસાધનોના અભાવે બચાવ પ્રયાસોમાં અડચણ ઊભી થઇ રહી છે.
મંગળવારે વહેલી સવારે ભારે વરસાદને કારણે નદીનો બંધ તૂટી ગયા બાદ બચાવ ટીમો હજુ પણ કાટમાળ અને પૂરના પાણીમાં ગુમ થયેલા લોકોને શોધવા માટે કામ કરી રહી છે. નજીકના શહેર મથાથા અને આસપાસના વિસ્તારોમાં પૂર આવ્યું હતું, જેમાં અનેક પીડિતો તણાયા હતા. તેમના ઘરો અને કાર પણ તણાઇ ગઇ હતી.
પૂર્વીય કેપ પ્રાંતના પ્રધાનમંત્રી ઓસ્કર મબુયાને જણાવ્યું હતું કે પૂર આવ્યું ત્યારે ઘણા લોકો સૂતા હતા.. તે એક ભયંકર પરિસ્થિતિ છે. સ્થાનિક અધિકારીઓ અસરકારક બચાવ પ્રયાસ શરૂ કરવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા કારણ કે આ આપત્તિ સંસાધનોની અછતના કારણે બની હતી.
આ પણ વાંચો: હિમાચલ પ્રદેશના શિમલામાં વાદળ ફાટ્યું, 10થી વધુ ગાડીઓ પૂરના પાણીમાં તણાઇ
તેમણે કહ્યું હતું કે દક્ષિણપૂર્વ દક્ષિણ આફ્રિકામાં આવેલા ગ્રામીણ પૂર્વીય કેપ પ્રાંતમાં ફક્ત એક જ બચાવ હેલિકોપ્ટર છે. તે 500 કિમીથી વધુ દૂર આવેલા ગકેબરહા શહેરથી મથાથા આવ્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે આ પ્રદેશમાં કોઈ નિષ્ણાત બચાવ ડાઇવર્સ અથવા કે-9 ડોગ યુનિટ નથી, એટલે કે રાહત બચાવમાં મદદ કરવા માટે તેમને બીજે ક્યાંકથી બોલાવવા પડે છે. લોકો છત પર અને ઝાડ પર ફસાયેલા હતા.
બચાવ ટીમોએ અનેક મૃતદેહોને પાણીમાંથી બહાર કાઢ્યા હતા. સાક્ષીઓએ જણાવ્યું હતું કે ઘણા લોકોએ ઇમારતોની ટોચ પર અથવા ઝાડ પર આશરો લીધો હતો અને કેટલાક લોકોએ કલાકો સુધી મદદ માટે રાહ જોઇ હતી.
પ્રાંતીય સરકારી અધિકારીઓએ અગાઉ કહ્યું હતું કે તેઓ માને છે કે લોકો હજુ પણ ગુમ છે પરંતુ ચોક્કસ સંખ્યા આપી ન હતી. ઘટનાસ્થળની મુલાકાત લેવા માટે પ્રાંતમાં રાષ્ટ્રીય સરકારી પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરનારા સહકારી શાસન અને પરંપરાગત બાબતોના મંત્રી વેલેન્કોસિની હલાબિસાના જણાવ્યા અનુસાર, મૃત્યુઆંક વધીને 57 થયો છે.