કેનેડામાં PRની રાહ જોતા ભારતીયોને મોટો ઝટકો: ઓન્ટારિયો સરકારે અચાનક બંધ કરી ‘સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ’

કેનેડામાં નોકરી કરીને પરમેનેન્ટ રેસિડન્સ (PR)ની રાહ જોતા ભારતીયોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. ઓન્ટારિયો પ્રાંતની સરકારે અચાનક તેની સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમને બંધ કરી દીધી છે, જેના કારણે હજારો લોકોની આશાઓ પર પાણી ફરી વળ્યું છે. આ પગલુ ઇમિગ્રેશન પ્રક્રિયામાં વધતી અનિયમિતતાઓને કારણે લેવામાં આવ્યું છે અને તેની અસર ખાસ કરીને ભારતીય કામદારો પર પડી રહી છે, જેઓ આ સ્ટ્રીમનો સૌથી વધુ ઉપયોગ કરતા હતા.
ઓન્ટારિયો ઇમિગ્રન્ટ નોમિની પ્રોગ્રામ (OINP) અંતર્ગત ચાલતી “એક્સપ્રેસ એન્ટ્રી: સ્કિલ્ડ ટ્રેડ્સ સ્ટ્રીમ”ને તાત્કાલિક અસરથી રોકી દેવામાં આવી છે. આ સ્ટ્રીમમાં છેલ્લા દોઢથી બે વર્ષથી પેન્ડિંગ પડેલી તમામ અરજીઓને હવે પરત કરી દેવામાં આવી રહી છે. સરકારે જણાવ્યું છે કે અરજદારોને તેમની ફાઇલો અને ફી બંને પરત મળી જશે, પરંતુ આ પગલુ હજારો લોકો માટે અણધારી મુશ્કેલી બની ગયું છે, કારણ કે હવે આ સ્ટ્રીમમાં કોઈ નવી અરજી સ્વીકારવામાં આવશે નહીં.
આ પણ વાંચો : ‘ટ્રેનીંગ આપો અને ઘરે જાઓ’, H-1B વિઝા પોલિસીમાં ફેરફાર; ભારતીય IT પ્રોફેશનલ્સ પર થશે અસર
સરકારના મતે, આ સ્ટ્રીમમાં ખોટી માહિતી અને ધોકાધડીના કિસ્સાઓ વધી રહ્યા હતા, જેના કારણે તેનું વર્તમાન માળખું દુરુપયોગનો શિકાર બની રહ્યું હતું. તેથી આને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી પ્રક્રિયાની વિશ્વસનીયતા જળવાઈ રહે. આની અસર સ્કિલ્ડ ટ્રેડ્સ સેક્ટરમાં કામ કરતા ભારતીય વર્કર્સ પર સૌથી વધુ પડી છે, કારણ કે આ ક્ષેત્રમાં તેમની સંખ્યા સૌથી વધુ છે અને તેઓ PRની આશા સાથે આ સ્ટ્રીમ પર આધારિત હતા.
કેનેડામાં ભારતીયો ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, વેલ્ડર, કન્સ્ટ્રક્શન વર્કર અને ઓટોમોટિવ ટેક્નિશિયન જેવા વ્યવસાયોમાં મોટી સંખ્યામાં કામ કરે છે, અને આ સ્ટ્રીમ તેમના માટે PRનો સૌથી સરળ માર્ગ માનવામાં આવતો હતો. હવે આના બંધ થવાથી હજારો ભારતીયોની આશાઓને ધક્કો લાગ્યો છે. આ પહેલા પણ મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ થયા હતા, જે કેનેડાની ઇમિગ્રેશન પોલિસીમાં વધતા કડક વલણને દર્શાવે છે.



