સિંગાપુરમાં ભારતીય મૂળની મહિલાને કબૂતરોને ખવડાવવું ભારે પડ્યું, કોર્ટે ફટકાર્યો દંડ…

સિંગાપુરઃ સિંગાપુરની કોર્ટે 71 વર્ષીય ભારતીય મૂળની મહિલાને મંજૂરી વિના કબૂતરોને ખવડાવવા માટે 3,200 સિંગાપુર ડોલરનો દંડ ફટકાર્યો છે. આ ઘટના શહેરના સૌથી જૂના હાઉસિંગ એસ્ટેટ તોવા પેઓહમાં બુધવારે બની હતી. આરોપ એવો છે કે, આ મહિલાએ છેલ્લા છ મહિનામાં 9 વખત કબૂતરોને અનાજ કે બ્રેડ ખવડાવી હતી, જેના કારણે કોર્ટે તેને દંડ ફટકાર્યો છે.
શામલા જાણીજોઈને કાયદો તોડ્યાનો આક્ષેપ
વિગતે વાત કરવામાં આવે તો, ભારતીય મૂળની મહિલા સનમુગ્નાથન શામલા જે સિંગાપુરની નાગરિક છે અને તોવા પેઓહના બ્લોક 62બી, લોરોંગ 4માં રહે છે, તેમણે વાઇલ્ડલાઇફ એક્ટ હેઠળ ચાર આરોપોમાં દોષ સ્વીકાર્યો છે. પાંચ અન્ય આરોપોને પણ કોર્ટમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા. નેશનલ પાર્ક્સ બોર્ડના અભિયોગીએ કહ્યું કે શામલા જાણીજોઈને કાયદો તોડ્યો છે. એટલું જ નહીં પરંતુ આ પહેલા પણ આ ગુના માટે તેને દંડ થયેલો છે, તેમ છતાં ફરી તે જ અપરાધ કર્યો છે.

અપાર્ટમેન્ટ પાસે જંગલી પક્ષીઓ ચણ નાખવું ભારે પડ્યું
મીડિયા અહેવાલ પ્રમાણે મે 2025માં શામલા પર તોવા પેઓહમાં તેમના અપાર્ટમેન્ટ પાસે જંગલી પક્ષીઓને ખવડાવવા અને NParksના કબૂતર પકડવાના અભિયાનમાં અડચણ ઊભી કરવા માટે 1,200 સિંગાપુર ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો. તે સમયે શામલાએ કોર્ટને બાહેધરી આપી હતી કે, તે ફરીથી આવું નહીં કરે. પરંતુ બાહેધરી આપ્યાના માત્ર એક જ મહિનામાં તેણે ફરી જ એ ગુનો કર્યો છે. તેના માટે કોર્ટે તેને 3,200 સિંગાપુર ડોલરનો દંડ ફટકાર્યો છે.
શા માટે કબૂતરોને ખવડાવવા પર પ્રતિબંધ છે?
કારણની વાત કરવામાં આવે તો, કબૂતરોની અનિયંત્રિત વસ્તીના કારણે સિંગાપુરમાં કબૂતરોને ખવડાવવું પ્રતિબંધિત છે. એટલું જ નહીં પરંતુ અનિયંત્રિત પક્ષીઓના કારણે રોગો ફેલાવો, મિલકતને નુકસાન થાય અને જાહેર સ્વચ્છતાનો ભંગ થતો હોવાના કારણે આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ખાસ વાત એ છે કે, NParks આવા કેસોમાં કડક કાર્યવાહી કરીને શહેરી વાતાવરણ અને વન્યજીવો વચ્ચે સંતુલન જાળવે છે.



