ગાઝા શહેરની ઘેરાબંદી પૂર્ણ, હવે હમાસનું શું થશે? એન્ટની બ્લિન્કન નેતન્યાહુ સાથે કરશે મુલાકાત | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

ગાઝા શહેરની ઘેરાબંદી પૂર્ણ, હવે હમાસનું શું થશે? એન્ટની બ્લિન્કન નેતન્યાહુ સાથે કરશે મુલાકાત

રફાહ: ઇઝરાયલના સૈનિકોએ હમાસની વિરુદ્ધ ગ્રાઉન્ડ એટેકમાં ગાઝા શહેરને ઘેરી લીધું હતું. અમેરિકાના વિદેશપ્રધાન એન્ટની બ્લિન્કન ગાઝામાં પેલેસ્ટાઇનના નાગરિકોની જાનહાનિ ઓછી કરવા માટે લેવાયેલા કડક પગલાના નિરીક્ષણ પર કેન્દ્રિત યાત્રા માટે ઇઝરાયલ પહોંચ્યા હતા, એ સ્થિતિ વચ્ચે ઇઝરાયલની સેનાએ ગુરૂવારે જણાવ્યું હતું કે તેમણે પેલેસ્ટાઇન બાહુલ્ય ધરાવતા ક્ષેત્રના સૌથી મોટા શહેરની ઘેરાબંદી પૂર્ણ કરી લીધી છે. જે લગભગ એક મહીનાથી ચાલી રહેલા સંઘર્ષમાં એક નવા ચરણનો સંકેત છે.

ઇઝરાયલની સરકાર અનુસાર હમાસે શરૂઆતમાં કરેલા હમલા બાદથી અત્યાર સુધી ઇઝરાયલમાં 1400થી વધુ લોકોના મોત થયા છે જેમાં મોટાભાગના સામાન્ય નાગરિકો હતા. હમાસે ગાઝામાં ઓછામાં ઓછા 229 લોકોને પણ બંધક બનાવીને રાખ્યા છે. બીજી તરફ ઇઝરાયલના હુમલામાં 9000થી વધુ પેલેસ્ટાઇનના નાગરિકોના મોત થયા છે.

એએફપીના એક પત્રકારના અહેવાલ મુજબ ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે શુક્રવારે ઇઝરાયલે કરેલા હુમલાને પગલે ગાઝાની નજીક આવેલા જિતુનમાં ઓછામાં ઓછા 15 અને જબાલિયા શરણાર્થી શિબિરમાં સાત લોકોના મોતની જાણકારી આપી છે.

હમાસ સાથે યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકાના વિદેશ પ્રધાન એન્ટની બ્લિન્કને શુક્રવારે ત્રીજી વખત ઈઝરાયેલની મુલાકાત લીધી છે. સીએનએનના અહેવાલો અનુસાર, ગયા મહિને બે વાર ઇઝરાયેલની મુલાકાત લેનાર અમેરિકાના વિદેશપ્રધાન આ વખતે પણ વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓને મળવાના છે.

વોશિંગટન ડીસી.માં પત્રકારોને એન્ટની બ્લિન્કને જણાવ્યું હતું કે તેમણે આતંકવાદી સંગઠન હમાસ વિરુદ્ધ ચાલી રહેલા અભિયાન અને નાગરિકોની સુરક્ષા માટે ઉઠાવવામાં આવનાર પગલાં વિશે ઈઝરાયેલ સરકાર સાથે વાત કરવાની યોજના બનાવી છે. તેમણે કહ્યું હતું કે તેઓ બંધકોની સ્થિતિ અંગે ચર્ચા કરવાનો ઈરાદો ધરાવે છે, પરંતુ નાગરિકોની વધુ સારી સુરક્ષા માટે નક્કર પગલાં વિશે વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો.

Back to top button