અમેરિકામાં શટડાઉન: હજારો ફેડરલ કર્મચારીઓ નોકરી ગુમાવશે; ટ્રમ્પે આપી ધમકી…

વોશિંગ્ટન ડી સી: આજે બુધવારે યુએસ સરકારનું શટડાઉન શરુ થયું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને કોંગ્રેસ ફેડરલ કામગીરીને ભંડોળ પૂરું પાડવા માટે અંતિમ કરાર પર પહોંચી શક્યા ન હતાં. શટડાઉનને કારણે આશરે 7,50,000 ફેડરલ કર્મચારીઓની નોકરીઓને અસર થઇ શકે છે. બુધવારે અમેરિકન સરકારની મોટાભાગની કામગીરી બંધ રહી હતી.
અહેવાલ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી છે કે ફેડરલ કર્મચારીઓની મોટા પાયે છટણી કરવામાં આવશે. શટ ડાઉનના પહેલા દિવસે ટ્રમ્પ વહીવટીતંત્રે ન્યૂ યોર્ક સિટી માટે આશરે $18 બિલિયનનું ભંડોળ સ્થગિત કરી દીધું છે, જેને કારણે આરોપ લગાવવામાં આવી રહ્યો છે કે શટડાઉન વચ્ચે ટ્રમ્પ રાજકીય બદલો લઇ રહ્યા છે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે એવા પણ સંકેત આપ્યો હતો કે શટડાઉનને કારણે કેટલાક વિભાગો કાયમી ધોરણે બંધ થઈ શકે છે.
વાઇસ પ્રેસિડેન્ટ જેડી વાન્સે જણાવ્યું હતું કે રિપબ્લિકન આ પરિસ્થિતિ દરમિયાન કોઈને પણ નોકરીમાંથી છૂટા કરવા ઇચ્છતા નથી, જ્યારે શટડાઉનની કોઈપણ નકારાત્મક અસરો માટે ડેમોક્રેટ્સને જવાબદાર રહેશે.
ઇમિગ્રેશન એન્ફોર્સમેન્ટ જેવી હત્વપૂર્ણ સેવાઓ ચાલુ રહેશે, પરંતુ શિક્ષણ, પર્યાવરણીય સંરક્ષણ અને પબ્લિક આઉટરીચ પ્રોગ્રામ સહિત અન્ય કાર્યો સંપૂર્ણપણે બંધ રહેશે.
શટડાઉનને કારણે યુએસ સરકારની અનેક સેવાઓ ખોરવાઈ જાય છે, જેની અસર લાખો નાગરિકો પર થાય છે. ઘણા ફેડરલ કર્મચારીઓ તેમની નોકરી ગુમાવી શકે છે અથવા તેમને પગાર વિના કામ કરવાની ફરજ પડે છે.
આ પણ વાંચો…આ અઠવાડિયે 1,50,000 યુએસ ફેડરલ કર્મચારીઓ રાજીનામું આપશે; જાણો શું છે કારણ…