ચેક રિપબ્લિકની રાજધાનીમાં ગોળીબાર: 15ના મોત અનેક ઘાયલ
પ્રાગઃ ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક શાળામાં અંધાધૂંધ ગોળીબારમાં 15થી વધુ લોકો માર્યા ગયા હતા અને લગભગ 20 લોકો ઘાયલ થયા હતા. ચેક પોલીસે જણાવ્યું હતું કે ગોળીબાર કરનાર વ્યક્તિને ખતમ કરી દેવામાં આવ્યો હતો, પરંતુ તેમણે પીડિતો કે શૂટરની ઓળખની વિગતો આપી નથી.
ચેક રિપબ્લિકની રાજધાની પ્રાગની એક યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીએ અચાનક અંધાધૂંધ ફાયરિંગ કરવાનું શરૂ દીધુ હતું, જેના કારણે 15 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 20 લોકો ઘાયલ થયા હતા. ઘટના બાદ આવી પહોંચેલી પોલીસે શૂટરનું ઢીમ ઢાળી દીધું હતું. ઘટનાસ્થળે કોઈ અન્ય બંદૂકધારી હોવાની પુષ્ટિ થઈ નથી. પ્રાગ પોલીસ વડાએ ગોળીબાર કરનારની ઓળખ ચાર્લ્સ યુનિવર્સિટીના વિદ્યાર્થી તરીકે કરી છે, જ્યાં આ ઘટના બની હતી.
ગોળીબાર પ્રાગના ઓલ્ડ ટાઉન નજીક ચાર્લ્સ યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ આર્ટસમાં થયો હતો, જેને મુખ્ય પ્રવાસન સ્થળ તરીકે ઓળખવામાં આવે છે. પોલીસે જણાવ્યું હતું કે કેમ્પસમાં અંધાધૂંધ ગોળીબાર થયા બાદ ગભરાયેલા વિદ્યાર્થીઓએ વર્ગખંડમાં શરણું લીધું હતું. સત્તાવાળાઓએ ઉમેર્યું હતું કે આ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો હતો અને પોલીસે આ વિસ્તારના નાગરિકોને ઘરની અંદર જ રહેવા અને બહાર નહીં નીકળવા વિનંતી કરી હતી.
પ્રાગના મેયર બોહુસ્લાવ સ્વોબોડાએ જણાવ્યું કે ચોકમાં સ્થિત ચાર્લ્સ યુનિવર્સિટીના ફિલોસોફી વિભાગને ખાલી કરાવવામાં આવ્યો છે. પોલીસે વિસ્તારને સીલ કરી દીધો છે.