અમેરિકાના કનેક્ટિકટ મોલમાં ગોળીબાર: પાંચ ઘાયલ, શંકાસ્પદની શોધખોળ | મુંબઈ સમાચાર

અમેરિકાના કનેક્ટિકટ મોલમાં ગોળીબાર: પાંચ ઘાયલ, શંકાસ્પદની શોધખોળ

વોટરબરીઃ અમેરિકાના કનેક્ટિકટમાં મોલમાં મંગળવારે એક બંદૂકધારીએ આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં પાંચ લોકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા તેમ જ પોલીસે મોટા પાયે કાર્યવાહી હાથ ધરી હતી. હજુ પણ શંકાસ્પદની શોધખોળ ચાલી રહી હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

વોટરબરીના પોલીસ વડા ફર્નાન્ડો સ્પેગ્નોલોએ જણાવ્યું કે અધિકારીઓ સ્થાનિક સમયાનુસાર સાંજે ૪-૪૦ વાગ્યે બ્રાસ મિલ સેન્ટરમાં ગોળીબાર થયાના અહેવાલ મળતા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. તેમણે કહ્યું હતું કે તમામ પીડિતોની સ્થાનિક હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જો કે તેમણે તેમની ઇજાઓની ગંભીરતા વિશે વિગતવાર માહિતી આપી નહોતી.

આપણ વાંચો: અમેરિકાના ટેક્સાસમાં ગોળીબારમાં વાહનચાલકનું મોત…

આ ઘટના અંગે મોલની બહાર એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન પોલીસ વડા સ્પેગ્નોલોએ જણાવ્યું કે આ અચાનક હિંસાનું કૃત્ય નહોતું. તેમણે પુષ્ટિ કરી કે ગોળીબાર કરનાર વ્યક્તિ ૨૦ વર્ષનો હતો. તેની પાસે સેમી-ઓટોમેટિક પિસ્તોલ હતી. એવું મનાઇ રહ્યું છે કે શંકાસ્પદ પીડિતોને ઓળખતો હતો અને ગોળીબાર પહેલા ઝઘડો થયો હતો અને ઝઘડાએ ઝડપથી હિંસક રૂપ ધારણ કરી લીધું હતું.

કનેક્ટિકટના ગવર્નર નેડ લેમોન્ટે જણાવ્યું કે રાજ્ય પોલીસ તપાસમાં મદદ કરશે. નોંધનીય છે કે બ્રાસ મિલ સેન્ટર કનેક્ટિકટની રાજધાની હાર્ટફોર્ડથી લગભગ ૫૦ કિમી દક્ષિણ-પશ્ચિમમાં વોટરબરીમાં ઇન્ટરસ્ટેટ હાઇવે ૮૪ નજીક આવેલું છે.

સંબંધિત લેખો

Back to top button