પેન્સિલવેનિયા રેલીમાં ડોનાલ્ડ ટ્રમ્પ પર જીવલેણ હુમલાની ‘તપાસ’માં ચોંકાવનારો ખુલાસો

વોશિંગ્ટન: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર પેન્સિલવેનિયામાં એક રેલી દરમિયાન જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. રેલીમાં ટ્રમ્પની સુરક્ષાને લઈને ગંભીર ચૂક થઈ હતી. તપાસમાં ગુપ્તચર સંસ્થાની નિષ્ફળતાઓ બહાર આવી છે, એમ એક અહેવાલમાં જણાવ્યું હતું.
રેલીમાં એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો જેમાં ટ્રમ્પ ઘાયલ થયા હતા. એજન્સીની પોતાની આંતરિક તપાસ અને ગૃહમાં ચાલી રહેલી દ્વિપક્ષીય તપાસ જેવી જ સેનેટ હોમલેન્ડ સિક્યુરિટી એન્ડ ગવર્નમેન્ટલ અફેર્સ કમિટીના વચગાળાના અહેવાલમાં પેન્સિલવેનિયામાં ગોળીબાર પહેલા લગભગ દરેક સ્તરે અનેક નિષ્ફળતાઓ બતાવી છે. આ નિષ્ફળતાઓમાં આયોજન, સંચાર, સુરક્ષા અને સંસાધનોની ફાળવણીનો સમાવેશ થાય છે.
હોમલેન્ડ કમિટીના ડેમોક્રેટિક અધ્યક્ષ મિશિગનના સેનેટર ગેરી પીટર્સે જણાવ્યું હતું કે, ‘નિષ્ફળતાના પરિણામો ભયંકર હતા. તપાસમાં બહાર આવ્યું છે કે સિક્રેટ સર્વિસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ વચ્ચે કોઈ સંકલન નહોતું. હુમલાખોર ગોળીબાર કરવા માટે જે બિલ્ડિંગ પર ચઢ્યો હતો ત્યાં સુરક્ષા કોર્ડન માટે કોઈ આયોજન નહોતું.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસથી ડરી ગયા! ડિબેટ કરવાથી ઇનકાર કર્યો, જાણો રેસમાં કોણ આગળ
અધિકારીઓ વિવિધ રેડિયો ચેનલો પર કામ કરી રહ્યા હતા, જેના કારણે સંદેશાવ્યવહારમાં ખલેલ પડી રહી હતી. હેલ્પલાઈન પર કામ કરતા એક બિનઅનુભવી ડ્રોન ઓપરેટર સાધનની ખામીને કારણે યોગ્ય રીતે કામ કરી શક્યા નહીં. પીટર્સે જણાવ્યું હતું કે સુરક્ષા અધિકારીઓ વચ્ચે વાતચીત થતી નહોતી.
રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે હુમલાખોર થોમસ મેથ્યુ ક્રૂક્સે ગોળીબાર કર્યાના લગભગ બે મિનિટ પહેલા બિલ્ડિંગની છત પર એક વ્યક્તિ વિશે સિક્રેટ સર્વિસને ચેતવણી આપવામાં આવી હતી. ક્રૂક્સે ટ્રમ્પની દિશામાં આઠ ગોળી ચલાવી હતી.
પૂર્વ રાષ્ટ્રપતિ જ્યાં ભાષણ આપી રહ્યા હતા ત્યાંથી હુમલાખોરનું અંતર ૧૫૦ યાર્ડથી ઓછું હતું. ૨૦૨૪ માટે રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ટ્રમ્પની હત્યા કરવાના પ્રયાસમાં તેમને કાનમાં બુલેટ વાગી હતી. રેલીમાં સામેલ એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. બાદમાં ગુપ્તચર સેવાના નિશાનેબાજે હુમલાખોરને ઠાર કર્યો હતો.