“શેખ હસીના હવે નહી ફરે રાજકારણમાં” પુત્ર સજીબ વાઝેદ જોયનો દાવો
ઢાકા: બાંગ્લાદેશની ઉથલ-પાથલ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાષ્ટ્રપતિએ જેલમાં બંધ પૂર્વ પીએમ અને વિપક્ષી નેતા ખાલિદા ઝિયાને મુક્ત કરવાનો આદેશ આપ્યો છે. આ સિવાય સેના તરફથી વધુ એક મોટું અપડેટ આવ્યું છે. સેનાએ કહ્યું છે કે બાંગ્લાદેશમાં કર્ફ્યુ મંગળવારે સવારે ખતમ થઈ જશે. શાળાઓ અને વ્યવસાયો ફરી ખુલશે.
શેખ હસીનાએ સોમવારે બાંગ્લાદેશના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી દીધું હતું અને તેઓ દેશ પણ છોડી ચૂક્યા છે. હવે તેના પુત્ર અને પૂર્વ મુખ્ય સલાહકારે હસીનાને લઈને મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે હવે પૂર્વ પીએમના રાજકારણમાં પાછા આવવાની કોઈ શક્યતા નથી. સજીબ વાઝેદ જોયે બીબીસી વર્લ્ડ સર્વિસના ન્યૂઝઅવર પ્રોગ્રામમાં આ વાત કહી.
આ પણ વાંચો : બાંગ્લાદેશમાં સત્તાપલટોઃ શેખ હસીનાને ભારે પડ્યું જમાત-એ-ઈસ્લામી, પક્ષનો દબદબો કેટલો જાણો?
તેમણે કહ્યું, ‘દેશમાં પરિવર્તન લાવવા માટે તેમણે ઘણા પ્રયાસો કર્યા. આ હોવા છતાં, તેઓ તેમની સરકાર વિરુદ્ધ પ્રબળ જનભાવનાથી ખૂબ જ નિરાશ છે. તેથી તેમણે પીએમ પદ છોડવાનો નિર્ણય લીધો છે.
બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. આ દરમિયાન પણ બાંગ્લાદેશમાં દેખાવો અને હિંસા યથાવત છે. સેનાએ સર્વદળિય બેઠક બોલાવીને વચગાળાની સરકાર બનાવવાની જાહેરાત કરી છે. હિંસામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોના મોત થયા છે.