ગજબની બેઈજ્જતી: સાઉદી અરેબિયાએ 56,000 પાકિસ્તાની ભિખારીનો કર્યો દેશનિકાલ

પાકિસ્તાન પાછલા ઘણા સમયથી આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. હવે તેની આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે બદનામી થઈ રહી છે. પાકિસ્તાનની છબિ ‘ભિખારીઓના નિકાસકાર’ તરીકે થવા લાગી છે. ચીન અને અમેરિકા પાસેથી મદદ માંગતું પાકિસ્તાન હવે તેના નાગરિકોની હરકતોને કારણે મુસ્લિમ દેશોની નજરમાં પણ નીચું જોવા જેવું થયું છે.
સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) જેવા દેશોએ પાકિસ્તાનને સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો તેઓ તેમના ભિખારીઓ પર લગામ નહીં કસે તો આગામી સમયમાં પાકિસ્તાની નાગરિકો માટે વિઝા મેળવવા અશક્ય બની જશે.
આપણ વાચો: OMG, ભારતને પડકારનારા પાકિસ્તાનમાં સૈનિકો કરતાં તો ભિખારીઓની સંખ્યા વધુ છે…
સાઉદી અરેબિયાએ ભીખ માંગવાના આરોપમાં અંદાજે 56,000 પાકિસ્તાનીને પકડીને તેમના દેશ પરત મોકલી દીધા છે. પાકિસ્તાનની એજન્સી FIA (ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી)એ સ્વીકાર્યું છે કે 2025માં અત્યાર સુધીમાં 66,154 મુસાફરોને વિદેશ જતી ફ્લાઈટમાંથી ઉતારી દેવામાં આવ્યા છે, કારણ કે તેઓ સંગઠિત ભીખ માંગનારી ગેંગ સાથે સંકળાયેલા હોવાની શંકા હતી. પાકિસ્તાની સરકારે હવે બદનામીથી બચવા માટે હજારો નાગરિકોને ‘નો-ફ્લાય લિસ્ટ’માં મૂકી દીધા છે.
પાકિસ્તાનથી હજ અને ઉમરાહના વિઝા પર મક્કા-મદીના જનારા લોકો ત્યાં જઈને ભીખ માંગવાનું શરૂ કરી દે છે. આ કોઈ નાનીસૂની ઘટના નથી, પરંતુ પાકિસ્તાનમાં કાર્યરત આખું સંગઠિત નેટવર્ક છે, જે પ્રોફેશનલ ભિખારીઓને ખાડી દેશોમાં મોકલે છે.
સાઉદી અરેબિયાએ ચેતવણી આપી છે કે પવિત્ર સ્થળોએ ભિખારીઓનો આ જમાવડો જો નહીં અટકે તો તેની સીધી અસર પાકિસ્તાની પર્યટકના ક્વોટા અને વિઝા પ્રક્રિયા પર પડશે.
UAE એ પહેલેથી જ મોટા ભાગના પાકિસ્તાની નાગરિકો માટે નવા વિઝા ઇશ્યૂ કરવાનું બંધ કરી દીધું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે પશ્ચિમ એશિયાના દેશોમાં પકડાયેલા કુલ ભિખારીઓમાંથી 90 ટકા પાકિસ્તાની મૂળના હોય છે.
આ ભિખારીઓ માત્ર ભીખ જ નથી માંગતા, પરંતુ અનેક ગુનાહિત પ્રવૃત્તિઓમાં પણ સંડોવાયેલા જોવા મળે છે. આના કારણે પાકિસ્તાનના નિર્દોષ વિદ્યાર્થીઓ અને ત્યાં નોકરી કરવા માંગતા લાયક ઉમેદવારો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે, કારણ કે હવે તેમના વિઝા વેરિફિકેશન ખૂબ જ કડક કરી દેવામાં આવ્યા છે.
પાકિસ્તાની મીડિયા પ્રમાણે આ પ્રોફેશનલ ભિખારીઓ વિદેશી યાત્રાળુઓને ભાવનાત્મક રીતે ગેરમાર્ગે દોરીને પૈસા પડાવવામાં માહિર છે. પાકિસ્તાની નાગરિકો પોતે જ સોશિયલ મીડિયા પર મક્કા-મદીનામાં પોતાના દેશના લોકોની આવી હરકતો જોઈને શરમ અનુભવી રહ્યા છે.
જ્યાં સુધી પાકિસ્તાન સરકાર આવા ગંભીર નેટવર્કને તોડવામાં સફળ નહીં થાય, ત્યાં સુધી આંતરરાષ્ટ્રીય મંચ પર તેની બેઈજ્જતી ચાલુ રહેશે અને કાયદાનું પાલન કરતા પાકિસ્તાનીઓને વિદેશ જવામાં તકલીફ પડતી રહેશે.



