જાપાનને મળ્યા પ્રથમ મહિલા PM: ‘આયર્ન લેડી’ અને ‘લેડી ટ્રમ્પ’ તરીકે ઓળખાતી આ મહિલા કોણ છે?

ટોકિયો: જાપાનના રાજકારણમાં ઇતિહાસ બદલાયો છે. સનાઈ તાકાઈચીના રૂપમાં જાપાનમાં પ્રથમ મહિલા વડા પ્રધાન ચૂંટાઈ આવી છે. 64 વર્ષીય અને અતિ-રૂઢિચુસ્ત ગણાતા તાકાઈચી, શાસક લિબરલ ડેમોક્રેટિક પાર્ટી (LDP)ના વડા છે. તેમણે બે ચૂંટણીમાં મળેલી હાર બાદ રાજીનામું આપનાર શિગેરુ ઇશિબાનું સ્થાન લીધું છે. આવો તેમના વિશે વિગતવાર જાણીએ.
હું કામ કરીશ, કામ કરીશ
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, 465 બેઠકોવાળા જાપાની સંસદના નીચલા ગૃહમાં તાકાઈચીને 237 મત મળ્યા છે, જે સ્પષ્ટ બહુમતી કરતાં વધુ છે. વડા પ્રધાન તરીકે ચૂંટાયા પછી, સનાઈ તાકાઈચીએ જાપાનના પુનર્નિર્માણ પર મુખ્ય ભાર મૂક્યો. તેમણે અત્યંત કડક કાર્યશૈળી અપનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે.
સનાઈ તાકાઈચીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, “હું મારા વચનો પૂરા કરીશ. આપણે દરેક પેઢીને એક કરીને અને દરેકની ભાગીદારીથી જ પુનર્નિર્માણ કરી શકીએ છીએ… હું દરેકને ઘોડાની જેમ કામ કરવા વિનંતી કરું છું. હું પોતે કાર્ય-જીવન સંતુલનનો વિચાર છોડી દઈશ. હું કામ કરીશ, કામ કરીશ, કામ કરીશ, કામ કરીશ અને કામ કરીશ.”
તાકાઈચીએ કહ્યું કે, “LDPને વધુ ઉત્સાહી, સકારાત્મક અને ઊર્જાવાન પક્ષ બનાવવા માટે સાથે મળીને કામ કરવું પડશે, જે લોકોની ચિંતાઓને આશામાં પરિવર્તિત કરી શકે.”
‘આયર્ન લેડી’ની કટ્ટર રૂઢિચુસ્ત છબી
ત્રણ દાયકાથી વધુનો રાજકીય અનુભવ ધરાવતા અને આર્થિક સુરક્ષા મંત્રી સહિત અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળનાર તાકાઈચી, તેમની કટ્ટર રૂઢિચુસ્ત છબી માટે જાણીતા છે. તેમને ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેના રૂઢિચુસ્ત અભિગમના સમર્થક માનવામાં આવે છે. ટીકાકારો તેમને ‘લેડી ડોનાલ્ડ ટ્રમ્પ’ કહે છે, જ્યારે ભૂતપૂર્વ વડા પ્રધાન ફુમિયો કિશિદાએ કથિત રીતે તેમને ‘તાલિબાન તાકાચી’ પણ કહ્યા હતા. તેમની સરખામણી બ્રિટનની ભૂતપૂર્વ PM માર્ગારેટ થેચર સાથે કરીને તેમને જાપાનની ‘આયર્ન લેડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
તેઓ મજબૂત સૈન્ય, લશ્કરી ખર્ચમાં વધારો, અને ચીનના આર્થિક તથા લશ્કરી પ્રભાવના આકરા ટીકાકાર છે. તેઓ શાહી પરિવારમાં ફક્ત પુરુષ ઉત્તરાધિકારનું સમર્થન કરે છે. તેઓ સમલૈંગિક લગ્ન અને નાગરિક કાનૂનમાંસ સંશોધનનો વિરોધ કરે છે.
સનાઈ તાકાઈચી રચશે બીજો ઇતિહાસ
7 માર્ચ, 1961ના રોજ નારામાં જન્મેલા સનાઈ તાકાઈચીએ કોબે યુનિવર્સિટીમાંથી બિઝનેસ મેનેજમેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેમણે ટીવી એન્કર તરીકે પણ કામ કર્યું અને યુએસ કોંગ્રેસના ફેલો તરીકે પણ અનુભવ મેળવ્યો છે. તેમણે 1993માં સ્વતંત્ર ઉમેદવાર તરીકે પ્રથમ વખત સંસદીય ચૂંટણી જીતી અને 1996માં જમણેરી LDPમાં જોડાયા.
તેઓ 2000ના દાયકામાં શિન્ઝો આબેના સહાયક બન્યા અને તેમના માર્ગદર્શન હેઠળ રાજકારણ શીખ્યા. તાકાઈચી દસ વખત સંસદમાં ચૂંટાયા છે. વડા પ્રધાન બન્યા બાદ, ઓક્ટોબરના મધ્યમાં સંસદીય ચૂંટણીઓ યોજાવાની અપેક્ષા છે. તાકાચી આ પદ પર પહોંચનારા કોઈ રાજકીય રાજવંશ સાથે સંબંધ વિનાના બીજા વિશ્વયુદ્ધ પછીના પ્રથમ વ્યક્તિ પણ બનશે.
ઉલ્લેખનીય છે કે, તાકાચીને ડ્રમ વગાડવાનો, મોટરસાયકલ અને કાર ચલાવવાનો તથા સ્કુબા ડાઇવિંગનો શોખ છે. તેમણે 2004માં સાથી સાંસદ તાકુ યામામોટો સાથે લગ્ન કર્યા, 2017માં છૂટાછેડા લીધા અને 2021માં ફરીથી લગ્ન કર્યા. તેમને પોતાના કોઈ સંતાન નથી, પરંતુ તેમણે યામામોટોના પહેલા લગ્નના ત્રણ બાળકોને દત્તક લીધા છે.