સાવધાન પાકિસ્તાન! સતલજ નદીમાં પૂર આવી શકે છે: ભારતે કેમ આપી ચેતવણી? | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

સાવધાન પાકિસ્તાન! સતલજ નદીમાં પૂર આવી શકે છે: ભારતે કેમ આપી ચેતવણી?

નવી દિલ્હી: પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. પાકિસ્તાનના પંજાબ, સિયાલકોટ અને અન્ય વિસ્તારોમાં આવેલા ભારે પૂરથી જનજીવન ખોરવાયું છે. ખેતરમાં લહેરાતા પાક પર પાણી ફરી વળ્યું છે. નોકરી-ધંધો ઠપ્પ થઈ ગયો છે. જેથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવાની નોબત આવી છે. એવા સમયે ભારતે પાકિસ્તાનમાં પૂર આવવાની સંભાવનાને લઈને ચેતવણી આપી છે.

સતલજ નદીમાં પૂર આવી શકે છે

ઉત્તર ભારતના રાજ્યોમાં સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. જેથી આ વિસ્તારની નદીઓના મુખ્ય ડેમોમાંથી વધારાનું પાણી છોડવાની નોબત આવી રહી છે. એવામાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ભારતે પાકિસ્તાનને સતલજ નદીમાં પૂર આવવાની “ઉચ્ચ સંભાવના” અંગે ચેતવણી આપી છે. જોકે, સતલજ નદીમાં પહેલાથી જ આવેલા પૂરને કારણે પાકિસ્તાનના બહાવલનગર જિલ્લામાં ભારે તારાજી સર્જાઈ છે. સેંકડો ગામો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને હજારો રહેવાસીઓને વિસ્થાપિત થવું પડ્યું છે.

લગભગ 10,000 એકર જમીનમાં પાક ધોવાઈ ગયો છે. આ ઉપરાંત, વસાહતોને જોડતા મુખ્ય રસ્તાઓ પણ ધોવાઈ ગયા છે, જેના કારણે ઘણા વિસ્તારોનો સંપર્ક તૂટી ગયો છે. ડીએસપીના નેતૃત્વમાં બચાવ કામગીરી ચાલી રહી છે, જેમાં 80%થી વધુ અસરગ્રસ્ત વસ્તી અને પશુધનને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

પાકિસ્તાન માટે મદદરૂપ થશે ચેતવણી

ઉલ્લેખનીય છે કે, દર વર્ષે પાકિસ્તાનમાં પૂરથી ભારે વિનાશ થાય છે, જેમાં પાક અને લોકોના ઘરને મોટું નુકસાન પહોંચે છે. અગાઉ સિયાલકોટમાં આવેલા પૂરને લઈને પાકિસ્તાનના રક્ષા પ્રધાન ખ્વાજા મોહમ્મદ આસિફે જણાવ્યું હતું કે, “જ્યારે પણ ભારત પાણી છોડે છે, ત્યારે ત્યાં નિયમિતપણે પૂર આવે છે. જોકે, ભારતે નદીમાંથી પાણી છોડતા પહેલા પાકિસ્તાનને બે વાર સૂચના આપી હતી.” તેથી ભારત દ્વારા આ ચેતવણી પાકિસ્તાનને સમયસર પગલાં લેવા માટે મદદરૂપ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button