ઇન્ટરનેશનલનેશનલ

Russia-Ukraine War: સાઉદી અરેબિયામાં અમેરિકા અને રશિયા વચ્ચે વાટાઘાટો શરૂ

કીવઃ યુક્રેનમાં આંશિક યુદ્ધવિરામ મુદ્દે અમેરિકા અને રશિયન વાટાઘાટકારો વચ્ચે સાઉદી અરેબિયામાં સોમવારે વાતચીત શરૂ થઇ હતી. આ માહિતી રશિયન સમાચાર અહેવાલોમાં સામે આવી છે.

આ વાતચીત અમેરિકા અને યુક્રેનના પ્રતિનિધિમંડળો વચ્ચે વાટાઘાટોના એક રાઉન્ડના થોડા કલાકો પછી શરૂ થઇ હતી. સરકારી સમાચાર એજન્સી તાસ અને આરઆઇએ-નોવોસ્તીના અહેવાલો અનુસાર વાટાઘાટો રાજધાની રિયાધમાં શરૂ થઇ હતી અને આ બેઠક બાદ અમેરિકા અને યુક્રેનના પક્ષો વચ્ચે બીજી બેઠક થવાની સંભાવના છે.

અહેવાલમાં જણાવાયું છે કે અલગ-અલગ બેઠકોમાં પાવર પ્લાન્ટસ અને નાગરિક માળખાગત સુવિધાઓ પર રશિયા અને યુક્રેન બંને તરફથી લાંબા અંતરના હુમલાઓ પર વિરામની વિગતો અંગે ચર્ચા કરવામાં આવશે. તેમજ સુરક્ષિત વાણિજ્યિક દરિયાઇ પરિવહન સુનિશ્ચિત કરવા માટે કાળા સમુદ્રમાં હુમલાઓને રોકવાને લઇને પણ ચર્ચા કરવામાં આવશે.

આપણ વાંચો: Russia-Ukraine War: યુક્રેન યુદ્ધવિરામ માટે નવી રણનીતિ તૈયાર, બ્રિટન, ફ્રાંસ અને યુક્રેન અમેરિકા સામે મૂકશે પ્રસ્તાવ…

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની વાતચીત બાદ યુક્રેન અને રશિયા બુધવારે મર્યાદિત યુદ્ધવિરામ માટે સૈદ્ધાંતિક રીતે સંમત થયા હતા, પરંતુ બંને પક્ષોએ ક્યા સ્થળો પર હુમલા કરવાની મનાઇ રહેશે તે અંગે અલગ અલગ વિચારો વ્યક્ત કર્યા હતા. બંને દેશોએ એકબીજા પર યુદ્ધવિરામ સુધી પહોંચવાના પ્રયાસોને નબળા પાડવાનો આરોપ પણ લગાવ્યો છે.

વ્હાઇટ હાઉસે ઊર્જા અને માળખાગત સુવિધાઓ પરના હુમલાઓને રોકવાની હાકલ કરી હતી, પરંતુ ક્રેમલિને કરારમાં માત્ર ઊર્જા માળખાગત સુવિધાઓનો સમાવેશ કર્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું કે તેઓ રેલવે અને બંદરોને પણ સુરક્ષિત કરવા માંગે છે.

ઝેલેન્સકીએ એક ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં જણાવ્યું કે ૧૧ માર્ચથી બિનશરતી યુદ્ધવિરામનો પ્રસ્તાવ વિચારણા હેઠળ હતો અને હુમલાઓ પહેલા જ બંધ થઇ શક્યા હોત, પરંતુ રશિયાએ આ બધું ચાલું રાખ્યું છે. ઝેલેન્સકીએ કહ્યું હતું કે આ આતંકને રોકવા માટે રશિયા પર વધુ દબાણ હોવું જોઇએ. આ અમારા બધા ભાગીદારો અમેરિકા, યુરોપ અને દુનિયાભરના અન્ય દેશો પર આધાર રાખે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button