રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઈલોથી યુક્રેન પર કર્યો હુમલોઃ એકનું મોત

કિવઃ અમેરિકાની મધ્યસ્થતામાં શાંતિ મંત્રણા વચ્ચે રશિયાએ યુક્રેન પર અત્યાર સુધીનો સૌથી ભયાનક હુમલો કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, રશિયાએ 574 ડ્રોન અને 40 મિસાઇલોથી યુક્રેન પર હુમલો કર્યો હતો. રશિયાએ આ હુમલાઓમાં યુક્રેનના પશ્ચિમી શહેર લવીવ અને રાજધાની કિવને પણ નિશાન બનાવ્યા છે. યુક્રેનનું કહેવું છે કે લવીવ પર થયેલા ડ્રોન અને મિસાઇલ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે દક્ષિણ પશ્ચિમ ટ્રાન્સકારપાથિયા ક્ષેત્રમાં થયેલા હુમલામાં 15 અન્ય લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.
યુક્રેનના વિદેશ પ્રધાન આંદ્રેઈ સિબિહાએ કહ્યું કે રશિયાએ પશ્ચિમ યુક્રેનમાં “મુખ્ય અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ કંપની” પર હુમલો કર્યો હતો. જોકે તેમણે આ અંગે વધુ જાણકારી આપી નહોતી. નોંધનીય છે કે તાજેતરમાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુરોપિયન નેતાઓએ વ્હાઈટ હાઉસમાં યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે બેઠક કરી હતી. ટ્રમ્પે જ તેમની હાજરીમાં પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે ત્રિપક્ષીય વાતચીતનું સૂચન કર્યું હતું.
આપણ વાંચો: રશિયાનો યુક્રેન પર સૌથી મોટો હુમલોઃ 550 ડ્રોન-મિસાઈલથી હુમલો, 23 લોકો ઘાયલ
સત્તાવાર આંકડાઓ અનુસાર, ડ્રોનથી કરાયેલો આ હુમલો સંખ્યાની દ્રષ્ટિએ રશિયાનો ત્રીજો સૌથી મોટો હવાઈ હુમલો હતો અને મિસાઇલોની દ્રષ્ટિએ આઠમો સૌથી મોટો હતો. મોટાભાગના રશિયન હુમલાઓમાં નાગરિકોને નિશાન બનાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગયા અઠવાડિયે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અલાસ્કામાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે યુદ્ધના અંત માટે બેઠક કરી હતી.
વ્હાઇટ હાઉસની વાતચીત પછી રશિયાએ યુક્રેન પર લગભગ 1,000 લાંબા અંતરના ડ્રોન અને મિસાઇલો છોડી હતી. રશિયાનું કહેવું છે કે તેણે લશ્કરી-ઔદ્યોગિક સ્થળોને નિશાન બનાવ્યા છે. યુક્રેન અને યુરોપિયન નેતાઓએ પુતિન પર શાંતિ પ્રયાસોમાં અવરોધ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો જેમાં યુક્રેનનો યુદ્ધવિરામનો પ્રસ્તાવ અને રશિયન નેતા સાથે બેઠક કરવાની ઝેલેન્સકીની ઓફરનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: યુદ્ધનો અંત ક્યારે? ટ્રમ્પ સાથે વાતચીત બાદ રશિયાનો યુક્રેન પર ભીષણ ડ્રોન હુમલો
ઝેલેન્સકીએ રશિયાના હુમલાની નિંદા કરતા કહ્યું હતું કે તે “એવું લાગે છે કે કંઈ બદલાતું નથી”. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આ હુમલાઓમાં “યુક્રેનિયન લશ્કરી-ઔદ્યોગિક સંકુલોને” નિશાન બનાવ્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે આ હુમલામાં ડ્રોન ફેક્ટરીઓ, સ્ટોરેજ ડેપો અને મિસાઇલ લોન્ચ સાઇટ્સ તેમજ એ વિસ્તારો પણ હતા જ્યાં યુક્રેનિયન સૈનિકો એકઠા થયા હતા. રશિયાએ વારંવાર યુક્રેનના નાગરિકોને નિશાન બનાવવાનો ઇનકાર કર્યો છે.
ઝેલેન્સકીએ કહ્યું હતું કે મોસ્કોએ યુદ્ધનો અંત લાવવા માટે અર્થપૂર્ણ વાટાઘાટો કરવાના કોઈ સંકેતો દર્શાવ્યા નથી. તેમણે આંતરરાષ્ટ્રીય સમુદાયને મોસ્કો પર વધુ મજબૂત દબાણ સાથે પ્રતિક્રિયા આપવા વિનંતી કરી હતી જેમાં કડક પ્રતિબંધો અને ટેરિફનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: રશિયાએ યુક્રેનના હુમલાનો બદલો લીધો; 400થી વધુ ડ્રોન છોડી હુમલો કર્યો
રશિયાએ એક અમેરિકન ઇલેક્ટ્રોનિક્સ પ્લાન્ટ પર હુમલો કર્યો હતો. લગભગ બધી મિસાઇલો રશિયાની અંદરથી છોડવામાં આવી હતી. તે હંગેરીની સરહદ નજીક પશ્ચિમ યુક્રેન પહોંચી હતી. યુક્રેનના પશ્વિમી શહેર લવિવમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ત્રણ ઘાયલ થયા હતા. હુમલામાં 26 રહેણાંક ઇમારતો, એક કિન્ડરગાર્ટન અને વહીવટી ઇમારતોને નુકસાન થયું હતું.