‘અમારું બજાર ભારતીય ઉત્પાદનો માટે ખુલ્લું છે’ અમેરિકાએ ટેરિફ લાદ્યા તો રશિયા ભારતની પડખે ઉભું રહ્યું

નવી દિલ્હી: ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમ ખરીદતું હોવાથી નારાજ થયેલા યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની પેદાશો પર વધારાનો 25 ટેરીફ લાદવાની જાહેરાત કરી છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને રશિયાના અર્થતંત્રને મૃત અવસ્થામાં હોવાની વાત કહી હતી, ત્યાર બાદ ભારત અને યુએસના સંબંધો વણસી રહ્યા છે. આવી સ્થિતિમાં રશિયા ભારતની પડખે ઉભું રહ્યું છે. બાહ્ય દબાણ છતાં રશિયાએ ભારતને પેટ્રોલિયમની સપ્લાય ચાલુ રાખવા બાહેંધારી આપી હતી.
નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતા રશિયન ડેપ્યુટી ચીફ ઓફ મિશન રોમન બાબુશકિએ ભારતને મિત્ર દેશ ગણાવ્યો. તેમણે કહ્યું કે અમેરિકાએ અર્થતંત્રને શસ્ત્ર બનાવ્યું છે, મિત્રો એક બીજા પર પ્રતિબંધો લાદતા નથી, અને રશિયા ક્યારેય ભારત પર પ્રતિબંધો નહીં લાદે. તેમણે ભારત પરના યુએસ ટેરિફને અયોગ્ય અને એકપક્ષીય ગણાવ્યા હતાં.
આપણ વાંચો: રશિયા સાથે વેપાર પર નાટોની ચેતવણી, ‘ચીન બ્રાઝિલ અને ભારત રશિયા સાથે વેપાર બંધ કરો નહિં તો…’
રશિયન બજાર ભારત માટે ખૂલું:
રોમન બાબુશકિએ ભારત માટે રશિયાનું સમર્થન સ્પષ્ટ કરતા કહ્યું,”…જો ભારતીય ઉત્પાદનોને યુએસ બજારમાં પ્રવેશવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો રશિયન બજાર ભારતીય નિકાસનું સ્વાગત કરવા હમેશા તૈયાર છે.
ભારત માટે આ એક પડકારજનક પરિસ્થિતિ છે, પરંતુ અમને અમારા સંબંધોમાં વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે બાહ્ય દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચે ઉર્જા વેપાર યથાવત રહેશે.”
આપણ વાંચો: પુતિનના ભારત પ્રવાસ પૂર્વે વિદેશ પ્રધાન એસ. જયશંકર રશિયા જશે
ભારત પેટ્રોલિયમ ખરીદવા ઇનકાર કરે તો…:
રોમન બાબુશકિએ કહ્યું કે “રશિયા ભારતને ક્રૂડ ઓઇલનો સૌથી મોટો સપ્લાયર છે. અને ભારતની માંગ વર્ષ-દર-વર્ષે વધી રહી છે. જો ભારત રશિયન પેટ્રોલિયમ ખરીદવા ઇનકાર કરે છે, તો પશ્ચિમી દેશો તરફથી સમાન સહયોગ મળશે નહીં કારણ કે એવું પશ્ચિમી સ્વભાવમાં જ નથી, જે તાજેતરના વર્ષોમાં એ સ્પષ્ટપણે જોવા મળ્યું છે.
તેઓ પોતાના ફાયદા વિશે જ વિચારતા કોલોનિયલ પાવરની જેમ વર્તે છે. આ દબાણ ગેરવાજબી અને એકપક્ષીય છે.”
રોમન બાબુશકિએ કહ્યું કે જો પશ્ચિમી દેશો તમારી ટીકા કરે છે, તો તેનો અર્થ એ કે તમે બરાબર કરી રહ્યા છો.
આપણ વાંચો: અમેરિકા-રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા ભારતનો સહયોગ: PM મોદીના સંદેશ સાથે ટ્રમ્પ-પુતિન બેઠકનું સ્વાગત
રશિયાનો યુએસના જવાબ:
યુએસ વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લીવિટે ગઈ કાલે જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાનાં યુક્રેન પર આક્રમણને આગળ ધપાવવાથી રોકવા માટે ભારત પર ટેરિફ લાદ્યા છે. ત્યાર બાદ રશિયન અધિકારીના ભારતના સમર્થનમાં આ નિવેદનને મહત્વનું છે.