આ દેશે અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને માન્યતા આપી: આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો વળાંક!

મોસ્કો: ઓગસ્ટ 2021 માં યુએસ અને નાટો સેનાએ અફઘાનિસ્તાન છોડ્યા બાદ દેશમાં આરાજકતા ફેલાઈ ગઈ હતી, આતંકવાદી સંગઠન તાલિબાને અફઘાનિસ્તાનની સત્તા પર કબજો કરી લીધો હતો અને દેશમાં ઇસ્લામિક કાયદાના તેમના અર્થઘટન મુજબ કડકપણે લાગુ કર્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે તાલિબાન સરકારને માન્યતા મળી નથી છે. જો કે હવે રશિયાએ તાલિબાનની તરફેણ કરી છે, રશિયાએ અફઘાનિસ્તાનની તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા (Russia recognized Taliban gov) આપી છે.
અહેવાલ મુજબ ગુરુવારે, રશિયન વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી હતી કે તાલિબાન દ્વારા રશિયા મોકલવામાં આવેલા નવા રાજદૂતના સત્તાવાર દસ્તાવેજને સ્વીકારી લીધો છે. આ સાથે તાલિબાન સરકારને ઔપચારિક રીતે માન્યતા આપતો રશિયા વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે.
રશિયા-અફગાનિસ્તાનના સંબંધ મજબુત બનશે!
રશિયન વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં એમ પણ જણાવ્યું કે અફઘાનિસ્તાન સાથે રશિયાના સંબંધો મજબૂત બનાવવા માટે કામ કરવામાં આવશે. નિવેદનમાં જણાવવામાં આવ્યું કે તેઓ આતંકવાદ સામેની લડાઈ, ડ્રગ્સની હેરફેર અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર કાબુલ સરકાર સાથે સહયોગ કરતા રહેશે. આ ઉપરાંત, રશિયાએ ઊર્જા, કૃષિ, પરિવહન અને માળખાગત સુવિધાઓ જેવા ક્ષેત્રોમાં અફઘાનિસ્તાન સાથે વ્યવસાયિક તકોને પણ મહત્વપૂર્ણ ગણાવી.
તાલિબાન સરકારની મોટી જીત!
એક મીડિયા અહેવાલ મુજબ તાલિબાન સરકારના વિદેશ પ્રધાન અમીર ખાન મુત્તાકીએ રશિયાના નિર્ણયને ‘હિંમતવાન પગલું’ ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે અન્ય દેશો તેને અનુસરસે કરશે. જોકે, અત્યાર સુધી કોઈ અન્ય દેશ તાલિબાનને સત્તાવાર રીતે માન્યતા આપી નથી. કેટલાક દેશોએ એ તરફ પગલાં ભર્યા છે, ચીન, સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન અને ઉઝબેકિસ્તાને કાબુલમાં તેમના રાજદૂતોની નિમણૂક કરી છે, પરંતુ તેમણે ઔપચારિક માન્યતા આપી નથી.
આ પણ વાંચો…પાકિસ્તાની સેનાની મોટી કાર્યવાહી, અફઘાનિસ્તાન બોર્ડર પર 14 આતંકીઓ ઠાર માર્યા