ઇન્ટરનેશનલ

રશિયા-અમેરિકા વચ્ચે યુદ્ધના એંધાણ: રશિયન સાંસદે આપી ન્યુક્લિયર હુમલાની ધમકી

મોસ્કો/વોશિંગ્ટન: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનની પાર્ટીના સાંસદ એલેક્સી ઝુરાવલેવે અમેરિકાને કડક ચેતવણી આપી છે. અમેરિકાએ રશિયન ધ્વજવાળા તેલ ટેન્કર ‘મેરિનેરા’ પર કબજો કર્યો હતો, આ મામલે એલેક્સી ઝુરાવલેવે અમેરિકન જહાજોને ડૂબાડી દેવીની અને સાથે સાથે ન્યુક્લિયર હુમલાની પણ ધમકી આપી હોવાનું મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જાણવા મળ્યું છે. મહત્વનું છે કે, અમેરિકાએ રશિયાના જહાજને કબ્જે કર્યું તેના કારણે એટલાન્ટિક મહાસાગરમાં અમેરિકા અને રશિયા વચ્ચે તણાવ વધ્યો છે ત્યારે રશિયાના સાંસદે ન્યુક્લિયર હુમલાની ધમકી પણ આપી છે.

શું રશિયા અમેરિકા પર હુમલો કરવાનું છે?

આ મામલે રશિયન વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકન કોસ્ટ ગાર્ડે વેનેઝુએલા સાથે જોડાયેલા પ્રતિબંધિત તેલ ટેન્કર પર કબજો કર્યો છે. આ ટેન્કર પર રશિયન ધ્વજ લહેરાવતો હતો અને તે ‘બેલા-1’ તરીકે પણ ઓળખાય છે. એલેક્સી ઝુરાવલેવે, જે રશિયન પાર્ટીના સાંસદ અને રક્ષા સમિતિના ઉપાધ્યક્ષ છે, તેમણે કહ્યું કે, અમેરિકા નશામાં ધૂત થઈને દરિયામાં લૂંટ આચરી રહ્યું છે. આથી અમેરિકન જહાજોને ટોર્પેડોથી ડુબાવીને જ તેને રોકી શકાય તેમ છે. મૂળ વાત એ કે, હવે એક મોટી મહાસત્તા યુદ્ધે ચઢે તેવા એંધાણ છે. આવી સ્થિતિમાં પરિણામ ભારે આવી શકે છે.

આ પણ વાંચો : અમેરિકા-રશિયા વચ્ચે શાંતિ સ્થાપવા ભારતનો સહયોગ: PM મોદીના સંદેશ સાથે ટ્રમ્પ-પુતિન બેઠકનું સ્વાગત

દેશો પાસે ન્યુક્લિયર પાવર વિશ્વ પર ચિંતાના વાદળ

રિપોર્ટ્સ પ્રમાણે એલેક્સી ઝુરાવલેવે રશિયન સૈન્ય નીતિનો હવાલો આપતા કહ્યું કે, અમેરિકાએ જે પ્રકારનું વર્તન કર્યું છે. તેવી સ્થિતિમાં રશિયન સૈન્ય નીતિ ન્યુક્લિયર હથિયારોનો ઉપયોગ કરવાની પરવાનગી આપે છે. ઝુરાવલેવેનું કહેવું છે કે, અમેરિકાએ રશિયન વિસ્તાર પર હુમલો કર્યાં સમાન કાર્ય કર્યું છે. જેથી આનો કઠોર જવાબ આપવો જોઈએ. અમારી નીતિ એવી પરિસ્થિતિમાં પરમાણુ હુમલાની પણ મંજૂરી આપે છે. આ ધમકી વેનેઝુએલા અને ઈરાન સાથેના તેલ વેપારને લગતા અમેરિકન પ્રતિબંધો વચ્ચે આવી છે. જેના કારણે સ્થિતિ વધારે ઉગ્ર બની છે. કારણ કે બંને દેશો પાસે ન્યુક્લિયર પાવર છે.

અમેરિકા દ્વારા રશિયન ક્રૂ મેમ્બરને છોડી દેવામાં આવશે?

અમેરિકન અટોર્ની જનરલ પામ બોન્ડીએ એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, અમેરિકાએ જપ્ત કરાયેલા મરીનેરા ટેન્કરના ક્રૂ મેમ્બર સામે અપરાધિક કેસ નોંધવામાં આવશે. તેઓએ ટેન્કરને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, સામે રશિયન મંત્રાલયે માંગણી કરી છે કે રશિયન નાગરિકો સાથે માનવીય વર્તન કરીને તેમને પરત મોકલવામાં આવે! આ ઘટના અમેરિકા-રશિયા વચ્ચેના તણાવને વધુ તીવ્ર બનાવી રહી છે, જેમાં પુતિન અને ટ્રમ્પના સંબંધો પણ ચર્ચામાં છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button