રશિયાની મોટી કાર્યવાહી: જાસૂસીના આરોપમાં બ્રિટિશ રાજદ્વારીને દેશ છોડવા આદેશ

મોસ્કોઃ રશિયાએ એક બ્રિટિશ રાજદ્વારીને જાસૂસી કરવાના આરોપસર દેશમાંથી હાંકી કાઢ્યા હતા. એફએસબી કાઉન્ટર-ઇન્ટેલિજેન્સને યુકેની ગુપ્તચર એજન્સીઓ સાથે તેમના સંબંધો હોવાની માહિતી મળી હતી.
ફેડરલ સિક્યુરિટી સર્વિસ(એફએસબી)ના જણાવ્યા અનુસાર મોસ્કોમાં બ્રિટિશ દૂતાવાસમાં સેક્રેટરી ગેરેથ સેમ્યુઅલ ડેવિસ યુકેની ગુપ્તચર એજન્સીઓ માટે કામ કરતા હતા. મોસ્કોમાં યુકેના ચાર્જ ડી’અફેર્સ ડેની ધોળકિયાને ઔપચારિક વિરોધ નોંધાવવા અને શંકાસ્પદ જાસૂસને બે અઠવાડિયાની અંદર રશિયામાંથી હાંકી કાઢવાની માંગ કરવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
રશિયાના વિદેશ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે મોસ્કો રશિયન પ્રદેશ પર બ્રિટિશ વિશેષ સેવાઓના અઘોષિત એજન્ટોની પ્રવૃતિઓને સહન નહીં કરે. રશિયન સરકાર રાષ્ટ્રીય સુરક્ષાના મામલામાં ઝીરો-ટોલરન્સ નીતિ ધરાવતી હોવાનું મંત્રાલયે કહ્યું હતું.
આ પણ વાચો : જો પરમાણુ પરીક્ષણનો વિચાર કર્યો તો ભારે પડશેઃ રશિયાએ કોને આપી ધમકી?
ધોળકિયાને સ્મોલેન્સ્કાયા સ્ક્વેર(એમએફએ) ખાતે બોલાવવામાં આવ્યા હતા. જેથી તેમને જણાવી શકાય કે રશિયાના સક્ષમ અધિકારીઓને માહિતી મળી છે કે દૂતાવાસનો એક રાજદ્વારી કર્મચારી બ્રિટિશ ગુપ્તચર એજન્સીઓ સાથે સંકળાયેલો છે.
મંત્રાલયે જણાવ્યું કે આને ધ્યાને લેતાં અને ૧૯૬૧ના વિયેના કન્વેન્શન ઓન ડિપ્લોમેટિક રિલેશન્સની કલમ ૯ અનુસાર આ વ્યક્તિની માન્યતા રદ કરવામાં આવી રહી છે. તેણે બે અઠવાડિયાના સમયગાળામાં રશિયન ફેડરેશન છોડવું પડશે.



