ઇન્ટરનેશનલ

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આવી શકે અંતઃ સાઉદી અરેબિયાએ કરી મધ્યસ્થી, પણ

રિયાધ: યુક્રેનમાં યુદ્ધને સમાપ્ત કરવા માટેનો માર્ગ શોધવા માટે સાઉદી અરેબિયાએ અમેરિકા અને રશિયા વચ્ચેની પ્રથમ બેઠકમાં મધ્યસ્થી કરી હતી. આજે રશિયા અને અમેરિકાના ઉચ્ચ અધિકારીઓ વચ્ચે સાઉદી અરેબિયામાં બેઠક યોજાઇ હતી. રિયાધના દિરિયાહ પેલેસ ખાતે યોજાયેલી આ બેઠકનો હેતુ બંને દેશો મળીને યુક્રેનમાં રશિયાના યુદ્ધનો અંત કેવી રીતે લાવી શકે તે અંગે સર્વસંમતિ બનાવવાનો હતો.

આ બેઠક પછી બંને દેશ વચ્ચે વાતચીત ચાલુ રાખવા માટે તૈયારી દાખવી હતી, પરંતુ તાત્કાલિક કોઈ સમજૂતી સુધી પહોંચ્યા નહોતા. આમ છતાં યુદ્ધ મુદ્દે સકારાત્મક પગલું ભરવામાં આવ્યું હોવાનું માનવામાં આવે છે.

આપણ વાંચો: પુતિન ઝેલેન્સકી સાથે ચર્ચા કરવા તૈયાર છે; યુદ્ધ વિરામના સંકેત

આ બેઠક પૂર્વે એવું માનવામાં આવતું હતું કે સાઉદી અરેબિયાની મધ્યસ્થીથી થયેલી ચાર કલાકની બેઠકમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો માટે ટૂંક સમયમાં માર્ગ મોકળો થશે, પરંતુ હાલમાં બેઠકમાં આ અંગે કોઈ સર્વસંમતિ બની નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર રશિયન પ્રતિનિધિએ કહ્યું કે પુતિન-ટ્રમ્પ મુલાકાતની તારીખ જાહેર કરવી હજુ ખૂબ જ વહેલું ગણાશે. પરંતુ બંને પક્ષોએ એકબીજાને સાંભળવાની શરૂઆત કરી છે, એકબીજા સાથે આદર અને સમાનતાથી વર્તવાનું શરૂ કર્યું છે.

આપણ વાંચો: રશિયાના ડ્રોન હુમલાથી યુક્રેનમાં તબાહીઃ પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો ઝેલેન્સકીનો દાવો

સાઉદી અરેબિયા મધ્યસ્થીની ભૂમિકામાં

આ બેઠકમાં રશિયા અને અમેરિકા બે પક્ષો છે અને સાઉદી મધ્યસ્થીની ભૂમિકામાં છે. આ વાટાઘાટોમાં યુક્રેનને આમંત્રણ આપવામાં આવ્યું નથી, જોકે આ વાટાઘાટો યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવાના ઉદ્દેશ્યથી યોજાઈ રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ કહ્યું હતું કે જો કિવ ભાગ નહીં લે તો તેમનો દેશ બેઠકના પરિણામને સ્વીકારશે નહીં.

કોણ રહ્યું હાજર?

આ બેઠકમાં રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ પ્રધાન સેરગેઈ લવરોવ અને રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વિદેશ નીતિ સલાહકાર યુરી ઉષાકોવ દ્વારા કરવામાં આવ્યું હતું. અમેરિકા વતી બેઠકમાં વિદેશ પ્રધાન માર્કો રુબિયો, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર માઇક વોલ્ટ્ઝ અને પશ્ચિમ એશિયા માટે ડોનાલ્ડ ટ્રમ્પના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ બેઠકમાં હાજર રહ્યા હતા. આ બેઠકમાં યુક્રેનને આમંત્રણ આપવામાં આવ્યું નથી, જેના પર યુરોપ દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button