દુનિયામાં આર્થિક ‘મહાસંકટ’ના એંધાણ, ડૂબી જશે લોકોની ‘બચત’ કે શું….

‘રિચ ડેડ, પુઅર ડેડ’ના લેખકની મોટી આગાહી, ‘સંકટ’માંથી ઉગરવા આટલું કરજો!
ઘડપણનું વિચારીને ઘણા લોકો પોતાની નિવૃત્તિ સુધીમાં સારી એવી બચત કરતા હોય છે. પરંતુ આવી બચતને લઈને ‘રિચ ડેડ, પુઅર ડેડ’ના લેખક રોબર્ટ કિયોસાકીએ ચેતવણી આપી છે. રોબર્ટ કિયોસાકીના મતે આ વર્ષ વિશ્વના ઇતિહાસમાં સૌથી મોટું આર્થિક સંકટ લાવશે. જેની અસર વૃદ્ધો અને નિવૃત્ત લોકોની બચત પર થશે. રોબર્ટ કિયોસાકીએ વૃદ્ધો અને નિવૃત્ત લોકોની બચત અંગે કેવી ચેતવણી આપી છે ત્યારે જાણીએ સમગ્ર બાબતને.
ઇતિહાસનું સૌથી મોટું ‘આર્થિક સંકટ’ હશે
લેખક રોબર્ટ કિયોસાકી જાણીતા ફાઈનાન્શિયલ લેખક છે. તેઓ અવારનવાર વૈશ્વિક રોકાણકારોને ચેતવણી આપતા રહે છે. તાજેતરમાં તેમણે વૃદ્ધો અને નિવૃત્ત લોકોની બચત અંગે ચેતવણી આપી છે. રોબર્ટ કિયોસાકીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “બેબી બૂમર્સની નિવૃત્તિ સમાપ્ત થઈ જશે. ઘણા લોકો બેઘર થઈ જશે અથવા તેઓ પોતાના સંતાનોના ઘરે રહેવા મજબૂર થશે.
રોબર્ટ કિયોસાકીએ યાદ અપાવ્યું કે, પોતાના પુસ્તક “રિચ ડેડ્સ પ્રોફેસી”માં આ મોટા ક્રેશ અંગે તેમણે આગાહી કરી હતી. તે સંકટ હવે આ વર્ષે જોવા મળશે. લેખક રોબર્ટ કિયોસાકીએ આ સાથે ચેતવણી આપી છે કે, આ વર્ષે આવનારું ઇતિહાસનું સૌથી મોટું આર્થિક સંકટ વૃદ્ધો અને નિવૃત્ત લોકોની બચત સંપૂર્ણ ખતમ થશે.
આ પણ વાંચો: રોબર્ટ કિયોસાકીની રોકાણકારોને સલાહ; જોખમ વધી રહ્યું છે, આ તરફ રોકાણ કરો
ચાંદી અને ઇથેરિયમનું રોકાણ ઉત્તમ
રોબર્ટ કિયોસાકી હંમેશાં ફિયાટ ચલણ (સરકારી ચલણ)ના વિરોધી રહ્યા છે. તેઓ “સેવર્સ આર લુઝર્સ” (બચત કરનારા હારનારા છે)ના સિદ્ધાંતમાં માને છે, કારણ કે ફુગાવો ધીમે ધીમે રોકડ બચતનું મૂલ્ય ઘટાડી દે છે. તેમના મતે લોકોએ બેંક ખાતામાં અથવા રોકડમાં પૈસા બચાવવાને બદલે વાસ્તવિક સંપત્તિમાં રોકાણ કરવું જોઈએ. આવા રોકાણ માટે રોબર્ટ કિયોસાકી સોનું, ચાંદી, બિટકોઇન અને ઇથેરિયમને શ્રેષ્ઠ વિકલ્પો ગણાવે છે.
ઓછા ભાવ અને ભવિષ્યમાં ઝડપથી વધતી માંગને કારણે કિયોસાકીએ ચાંદી અને ઇથેરિયમને રોકાણ માટે ઉત્તમ ગણાવ્યું છે. કારણ કે આ બંને વસ્તુઓ માત્ર સારું મૂલ્ય ધરાવે છે, પરંતુ તેનો ઉદ્યોગોમાં પણ ઉપયોગ થાય છે. જોકે, તેમણે કોઈની વાત પર આંધળો વિશ્વાસ કરવાને બદલે ચાંદી અને ઇથેરિયમના ફાયદા-ગેરફાયદાને પોતે સમજીને, પોતાની નાણાકીય સમજણના આધારે રોકાણ કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: આ મહિનામાં શેરબજારમાં નોંધાશે ‘ઐતિહાસિક’ કડાકો, અમેરિકન ઉદ્યોગપતિએ રોકાણકારોને ચેતવ્યાં…
ઉલ્લેખનીય છે કે, કિયોસાકી દ્વારા સલામત ગણાતી સંપત્તિઓએ 2025માં અપવાદરૂપે સારું પ્રદર્શન કર્યું હતું. ફિનબોલ્ડ રિસર્ચ અનુસાર સપ્ટેમ્બર 2025 સુધીમાં સોના, ચાંદી અને બિટકોઇન પર સરેરાશ વળતર આશરે 40 ટકા હતું.
આ દરમિયાન ચાંદીના ભાવમાં 47.5 ટકા અને સોનાના ભાવમાં 43 ટકા વધારો થયો હતો, જ્યારે બિટકોઇનમાં 21 ટકા વધારો થયો હતો. કિયોસાકીના મતે આ વર્ષે ક્રેશ આવે કે ન આવે, સોના, ચાંદી અને ક્રિપ્ટો જેવી વાસ્તવિક સંપત્તિઓ વર્તમાન વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ અને બેંકોમાં ઘટતા વિશ્વાસ સામે સાચો વીમો છે.