પુતિન ઝેલેન્સકી સાથે ચર્ચા કરવા તૈયાર છે; યુદ્ધ વિરામના સંકેત

નવી દિલ્હી: રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે મહત્વના (Russia-Ukraine war) સમાચાર છે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી (Volodymyr Zelensky) સાથે વાત કરવા તૈયારી બતાવી છે. ક્રેમલિન દ્વારા પુષ્ટિ આપવામાં આવી છે કે પુતિન “જો જરૂરી હોય તો” વોલોડીમીર ઝેલેન્સકી સાથે વાતચીત કરવા સંમત થયા છે.
યુક્રેનમાં વર્ષોથી ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવાના ઉદ્દેશ્ય સાથે આજે ટોચના રશિયન અને યુએસ રાજદ્વારીઓ સાઉદી અરેબિયાના રિયાધમાં બેઠક કરી રહ્યા છે. ત્યારે આ જાહેરાત મહત્વની માનવામાં આવી રહી છે.
આપણ વાંચો: રશિયાનો યુક્રેન પર 100 મિસાઇલ અને ડ્રોનથી ભયાનક હુમલો, ચારનાં મોત
રશિયન સરકારના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું કે “પુતિને પોતે કહ્યું હતું કે જો જરૂરી હોય તો તેઓ ઝેલેન્સકી સાથે વાટાઘાટો કરવા તૈયાર રહેશે.”
યુક્રેન કરાર નહીં સ્વીકારે?
નોંધનીય છે કે સાઉદી અરેબિયામાં ચાલી રહેલી બેઠકમાં યુક્રેનિયન રાજદ્વારીઓ સામેલ નથી. આ અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું, “અમારા વિના અમારા વિશે કરવામાં આવનાર કોઈપણ કરાર અથવા બાબતોને કિવ નહીં સ્વીકારે.”.
આપણ વાંચો: રશિયા અને યુક્રેન યુદ્ધ કેદીઓની અદલાબદલી કરી, પ્રિયજનો વચ્ચે પહોંચતા જ આંખો છલકાઈ
યુદ્ધ વિરામના સંકેત:
પુતિનનું ઝેલેન્સ્કી સાથે વાત કરવા તૈયાર હોવું સકારાત્મક સંકેત છે, યુદ્ધનો ઉકેલ અને યુદ્ધવિરામ થઇ શકે છે. ત્રણ વર્ષથી ચાલી રહેલા આ સંઘર્ષને કારણે મોટા પાયે જાનહાનિ થઇ છે અને વ્યાપક વિનાશ વેર્યો છે, આ ઉપરાંત વૈશ્વિક અર્થતંત્ર પર પણ ભારે દબાણ ઉભું થયું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ શક્ય તેટલી વહેલી તકે આ યુદ્ધનો ઉકેલ શોધવા માટે અવાજ ઉઠાવી રહ્યા છે.
યુદ્ધના ખર્ચ અને પશ્ચિમી દેશો દ્વારા તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે તેની અર્થવ્યવસ્થા તણાવમાં હોવાથી, મોસ્કોએ પણ ઉકેલ શોધવાનો સંકેત આપ્યો છે.
વોશિંગ્ટનની મોસ્કો પ્રત્યેની નીતિમાં આવેલા અચાનક પરિવર્તનને કારણે યુરોપિયન રાષ્ટ્રો અને નાટોના સભ્યો ચિંતિત છે.