રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે? પુતિન અને ટ્રમ્પ વચ્ચે આ તારીખે મુલાકત થશે, થશે મોટા નિર્ણયો

વોશિંગ્ટન ડી સી: આગામી દિવસોમાં વૈશ્વિક રાજકારણમાં મોટા ફેરફાર જોવા મળી શકે છે, દુનિયાની બે મહાસત્તા યુએસએ અને રશિયાના રાષ્ટ્રપતિઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક થવા જઈ રહી છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે પુષ્ટિ કરી હતી કે તેઓ આવતા અઠવાડિયે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે અલાસ્કામાં બેઠક (Trump-Putin meeting in Alaska) કરશે. બંને નેતાઓન મુલાકાત દરમિયાન યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટે રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધવિરામ કારારને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે, જેમાં પ્રદેશોની અદલાબદલીનો સમાવેશ થઈ શકે છે.
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર એક પોસ્ટ કરીને લખ્યું, “યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે મારી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેની મુલાકાત આગામી શુક્રવાર, 15 ઓગસ્ટ, 2025 ના રોજ ગ્રેટ સ્ટેટ ઓફ અલાસ્કામાં યોજાશે. યુક્રેન અને રશિયા બંનેના ભલા માટે કેટલાક પ્રદેશોની અદલાબદલી થશે.”
રશિયાએ મુલાકાતની પુષ્ટિ કરી:
છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા હતી કે ટ્રમ્પ અને પુતિન વચ્ચે મુલાકાત થઇ શકે છે, પરંતુ સ્થળ અને તારીખ જાહેર કરવામાં આવ્યા ન હતાં. હવે ટ્રમ્પે પુતિન સાથે મુલાકાત અંગે માહિતી આપી છે. ત્યાર બાદ રશિયાએ પણ આ બેઠક અંગે પુષ્ટિ કરી છે. રશિયાએ અલાસ્કાને “ખૂબ જ તાર્કિક” ગણાવ્યું હતું.
રશિયન અધિકારીએ ટેલિગ્રામ પર પોસ્ટ કરેલા એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “રાષ્ટ્રપતિઓ યુક્રેનિયન ક્રાઈસીસના લાંબા ગાળાના શાંતિપૂર્ણ સમાધાન માટે વિકલ્પો અંગે ચર્ચા પર ધ્યાન કેન્દ્રિત કરશે.”
ટ્રમ્પ અને પુતિનની મુલાકાત અંગે યુક્રેને હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
પુતિનની ભારત અને ચીન મુલાકાત:
નોંધનીય છે કે પુતિને શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ જીનપિંગ અને ભારતના વડાપ્રધાન મોદી સાથે ફોન પર વાત કરી હતી. આગામી દિવસોમાં પુતિન બંને દેશોની મુલાકાત લેવાના છે. ત્યાર બાદ ટ્રમ્પ સાથે પુતિનની બેઠકની પુષ્ટિ થઇ છે.
આ પણ વાંચો…વૈશ્વિક રાજકારણમાં નવો વળાંક! ટ્રમ્પ અને પુતિન વચ્ચે થઇ શકે છે મુલાકત, જાણો કેમ છે મહત્વપૂર્ણ