નેપાળ અને ફ્રાંસ બાદ લંડનના રસ્તાઓ પર સર્જાયા આવા દૃશ્યો! આખા વિશ્વમાં કેમ વ્યાપી છે અશાંતિ?

લંડન: છેલ્લા કેટલાક દિવસોથી દુનિયાના ઘણા દેશોમાં રાજકીય ઉથલપાથલ જોવા મળી છે. નેપાળમાં ભ્રષ્ટાચાર વિરોધી પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન કે પી ઓલીની સરકાર ઉથલાવી દીધી છે, ફ્રાન્સના ઘણાં શહેરોમાં સરકારની નીતિઓના વિરોધમાં હિંસક પ્રદર્શનો થઇ રહ્યા છે, એવામાં યુનાઇટેડ કિંગડમ(UK)માં સરકારની ઈમિગ્રેશન પોલિસીના વિરોધમાં પ્રદર્શનો (Protests in United Kingdom) થઇ રહ્યા છે, કેટલીક જગ્યાઓએ હિંસક અથડામણો પણ થઇ હતી.
અહેવાલ મુજબ શનિવારે મધ્ય લંડનમાં યોજાયેલી રેલીમાં 1,10,000 થી 1,50,000 લોકો એકઠા થયા હતા, જેનું નેતૃત્વ જમણેરી આગેવાન ટોમી રોબિન્સન(Tommy Robinson) કરી રહ્યા હતાં. આ લોકો મધ્ય પૂર્વ અને આફ્રિકાથી આવેલા નિરાશ્રીતોને યુકેમાં શરણ આપવાની સરકારની નીતિ વિરોધ કરી રહ્યા હતાં. આ પ્રદર્શનની વિરુદ્ધમાં ‘સ્ટેન્ડ અપ ટુ રેસિઝમ’ સંગઠન દ્વારા નિરાશ્રીતોના અધિકાર માટે એક અલગ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 5,000 લોકો જોડાયા હતા.
પોલીસ સાથે અથડામણ:
આ બંને વિરોધી પ્રદર્શનકારીઓ આમને સામને આવી જાય તો હિંસા ફાટી નીકળવાની ભીતિ હતી. બંને જૂથોને એક બીજાથી અલગ રાખવા માટે લગભગ 1,000 સુરક્ષા અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. અધિકારીઓ પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે સ્થિતિ વણસી અને અધિકારીઓ પર હુમલો કરવામાં આવ્યો.
પોલીસે ભીડને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો, આ દરમિયાન પોલીસકર્મીઓ પરને લાત અને મુક્કા કરવામાં આવ્યા હતાં, અધિકારીઓ પર બોટલો, મોલોતોવ કોકટેલ અને અન્ય વસ્તુઓ ફેંકવામાં આવી. ત્યાર બાદ વળતી કાર્યવાહીમાં 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઇમિગ્રેશન પોલિસી સામે વિરોધ:
‘યુનાઇટ ધ કિંગડમ’ બેનર હેઠળ 42 વર્ષીય ટોમી રોબિન્સનના નેતૃત્વમાં ઇમિગ્રેશન વિરોધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ટોમી રોબિન્સને આ રેલીને દેશનો સૌથી મોટો “ફ્રી સ્પીચ ફેસ્ટિવલ” ગણાવ્યો. રેલીમાં હાજર લોકોને સંબોધતા રોબિન્સને કહ્યું, “અત્યાર સુધી ચુપ રહેલી બહુમતી હવે ચૂપ નહીં રહે, આ સાંસ્કૃતિક ક્રાંતિનો તણખો છે.”
હવે ઈલોન મસ્ક યુકેના રાજકારણમાં પણ દાખલ કરશે!
આ રેલીમાં યુરોપ અને ઉત્તર અમેરિકાના ફાર-રાઈટ નેતાઓ પણ હાજર રહ્યા હતાં. યુએસના ઉદ્યોગપતિ ઈલોન મસ્કે વિડીયો કોન્ફરન્સ મારફતે લોકોને સંબોધ્યા હતાં. મસ્કે કહ્યુ, “બ્રિટિશ હોવામાં એક સુંદરતા છે, હું રોજ ધીમે ધીમે બ્રિટનનો વિનાશ થતો જોઈ રહ્યો છું. તમે હિંસા પસંદ કરો કે ન કરો, હિંસા તમારી પાસે આવી રહી છે. તમે કાં તો લડો અથવા તમે મરી જાઓ.”
ભીડમાં હાજર લોકો “સ્ટોપ ધ બોટ્સ” અને અન્ય વાક્યો લખેલા પ્લેકાર્ડ્સ લઇને ઉભેલા જોવા મળ્યા હતાં.
નિરાશ્રીતોના સમર્થનમાં રેલી:
ઈમિગ્રેશનના વિરોધમાં યોજાયેલા પ્રદર્શનો સામે લેબર પાર્ટીના સાંસદ ડાયેન એબોટની આગેવાનીમાં પ્રદર્શનો યોજાયા હતાં. ડાયેન એબોરે રોબિન્સન અને આગેવાનો દ્વારા કરવામાં આવેલા દાવાને “બકવાસ” અને “ખતરનાક જૂઠાણા” ગણાવ્યા. તેમણે કહ્યું, “આપણે નિરાશ્રીતોને સાથ આપવો જોઈએ અને આપણે બતાવવાની જરૂર છે કે આપણે એક છીએ.”
લંડનમાં સ્થિતિ ચિંતાજનક:
સાંજ પડતા બંને પ્રદર્શનોનો અંત આવ્યો પરંતુ આગામી દિવસોમાં ફરી રેલીઓ યોજાઈ તેવી શક્યતા છે, આ રેલીઓ હિસંક રૂપ ધારણ કરે તો મોટા પાયે જાનમાલનું નુકશાન થઇ શકે છે,જેને ધ્યાનમાં રાખીને લંડન સાવચેતી રાખી રહી છે.
આ પણ વાંચો…લંડન કરતાં વધુ સુરક્ષિત છે મુંબઈ? વિદેશી કન્ટેન્ટ ક્રિએટરે કર્યો ચોંકાવનારો ખુલાસો, વીડિયો થયો વાઈરલ