પ્રેસિડેન્ટ કે પ્રોફિટિયર? ડૉનાલ્ડ ટ્રમ્પે પ્રમુખ પદનો લાભ લઈ પરિવારને કર્યો માલામાલ

વોશિંગટન ડીસી: સરપંચ બન્યા બાદ ગામનો વિકાસ થાય કે ન થાય સરપંચના પરિવારનો આર્થિક તથા અન્ય તમામ રીતે વિકાસ થાય છે. સામાન્ય રીતે ભારતમાં આવું જોવા મળે છે. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં પણ આવું જોવા મળી રહ્યું છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળ દરમિયાન ઘણી રીતે પોતાનો ખાનગી નફો કરીને અબજો રૂપિયાની કમાણી કરી છે.
રાષ્ટ્રપતિના ઇતિહાસની સૌથી વધુ કમાણી
અમેરિકામાં પ્રકાશિત થતા ધ ન્યૂયોર્કમાં ડેવિડ કિર્કપેટ્રિકે પોતાના રિપોર્ટમાં એક સનસનાટીભર્યો દાવો કર્યો છે. આ દાવા અનુસાર અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના હોદ્દાનો ઉપયોગ કરીને અબજો ડોલરની કમાણી કરી છે. અમેરિકાના રાષ્ટ્રપતિના ઇતિહાસમાં ભાગ્યે જ જોવા મળે એવી 3.4 અબજ ડોલરની જંગી કમાણી ટ્રમ્પ પરિવાર દ્વારા કરવામાં આવી છે.
ડેવિડ કિર્કપેટ્રિકે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે ટ્રમ્પ પ્રેસિડેન્ટ નથી, પરંતુ પ્રોફિટિયર (નફાખોર) છે. આ કમાણી અમેરિકન નિયમોની ખામીઓ અને કાયદાકીય છટકબારીઓનો લાભ ઉઠાવીને કરવામાં આવી છે.
ડૉનાલ્ડ ટ્રમ્પના પરિવારને કેવી રીતે થઈ કમાણી
ડૉનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના પહેલા એવા રાષ્ટ્રપતિ છે, જેમનો પોતાનો ખાનગી ઓનલાઈન સ્ટોર ચાલે છે, જેની સીધી રકમ તેમના ખિસ્સામાં જાય છે. અત્યાર સુધીમાં આ સ્ટોર દ્વારા ડૉનાલ્ડ ટ્રમ્પને 2.8 કરોડ ડોલરની કમાણી થઈ ચૂકી છે. ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનરની ફર્મ અફિનિટી પાર્ટનર્સમાં સાઉદી અરેબિયાએ 2 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. જેનાથી જેરેડ કુશનરને આગામી દસ વર્ષમાં બે તૃતિયાંશ ભાગનું ભંડોળ ફી સ્વરૂપે મળશે.આ રોકાણ ટ્રમ્પના પ્રમુખપદના કાર્યકાળ દરમિયાન જ થયું, જે હિતોના સંઘર્ષનો સ્પષ્ટ પુરાવો છે.
2016 પહેલા માંડ 1 લાખ ડોલરની વાર્ષિક ફી ધરાવતી આ ક્લબની ફી ટ્રમ્પ પ્રમુખ બનતા જ 10 લાખ ડોલર સુધી પહોંચી ગઈ. ટ્રમ્પના રાજકીય ચડતીને કારણે આ ક્લબે જ 12.5 કરોડ ડોલરથી વધુનો નફો કર્યો હતો. ટ્રમ્પે પોતાના કાર્યકાળ દરમિયાન ઘણી બધી મહત્વપૂર્ણ મીટિંગ્સ આ ક્લબમાં યોજી હતી. ટ્રમ્પે અમેરિકાના યુરોપ, બ્રિટન, સાઉદી અરેબિયા, જાપાન અને સાઉથ કોરિયા સાથે 1.5 લાખ કરોડ ડોલરથી વધુના કરાર કર્યા છે, જેનું કોઈ કાયદાકીય માળખું ન હોવાથી આ ભંડોળ ટ્રમ્પની કંપનીઓ દ્વારા આવ્યું હોવાનું મનાય છે.
અમેરિકન અર્થતંત્ર પર અસર
રિપોર્ટમાં ચેતવણી આપવામાં આવી છે કે ટ્રમ્પ અમેરિકન અર્થતંત્રને ચીન જેવું રાજ્યલક્ષી મૂડીવાદ તરફ વાળી રહ્યા છે. આનાથી અમેરિકન અર્થતંત્રનું સ્વરૂપ બદલાઈ શકે છે, જે ભવિષ્યમાં ગંભીર પરિણામો લાવી શકે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ જો બાઈડનના દીકરા હંટર બાઈડન પર કર ચોરી અને બંદૂકોની ખરીદીને લઈને કેસ ચાલી રહ્યો હતો. જો બાઈડન અમેરિકાના એવા પહેલા રાષ્ટ્રપતિ હતા, જેમના સંતાન પર કેસ ચાલી રહ્યો હતો. જો બાઈડને પોતાના રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન દીકરાને માફી આપી હતી. જેને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પે જો બાઈડન પર આક્ષેપો કર્યા હતા.
આ પણ વાંચો…પહેલા વિઝા રદ થશે પછી ડિપોર્ટ: અમેરિકામાં રહેતા ભારતીયો સમજી લો આ ‘નિયમ’…