G-7 Summit: વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું, ટ્રમ્પ પર આડકતરો પ્રહાર!

ઓટાવા: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેનેડાના આલ્બર્ટા પ્રાંતના કનાનાસ્કિસ શહેરમાં આયોજિત G-7 સમિટમાં હાજરી આપવા માટે (PM Modi in Canada for G-7 Summit) પહોંચ્યા છે. આજે આ સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ આઉટરીચ સેશનને સંબોધિત કર્યું હતું. આ દરમિયાન વૈશ્વિક નેતાઓ સમક્ષ તેમણે આતંકવાદ સામે ભારતનું કડક અને બિન સમાધાનકારી વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે વેપાર અને વિકાસ જેવા મહત્વપૂર્ણ વૈશ્વિક મુદ્દાઓ અંગે પણ વાતચીત કરી. વડાપ્રધાને આડકતરી રીતે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરીફ નીતિ અને પાકિસ્તાન સામે યુએસના નરમ વલણની પણ ટીકા કરી.
ભારતની આત્મા પર હુમલો:
આઉટરીચ સેશનને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને ભારતની આત્મા અને માનવતા પર ગંભીર હુમલો ગણાવ્યો. તેમણે કહ્યું,”22 એપ્રિલે થયેલો આતંકવાદી હુમલો ફક્ત પહેલગામ પર જ નહીં, પરંતુ દરેક ભારતીયના આત્મા, ઓળખ અને ગૌરવ પર પણ હુમલો હતો. તે સમગ્ર માનવતા પર હુમલો હતો.”

આડકતરી રીતે ટ્રમ્પને ટોણો માર્યો:
વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું કે આંતરરાષ્ટ્રીય સમુદાયની કાર્યવાહીમાં બેવડા ધોરણો ન હોવા જોઈએ. તેમણે કહ્યું, “એક તરફ કેટલાક દેશો તેની પસંદગી મુજબ ઝડપથી વિવિધ પ્રકારના પ્રતિબંધો લાદે છે , જ્યારે બીજી તરફ જે દેશો આતંકવાદને ખુલ્લેઆમ સમર્થન આપે છે તેમને ઇનામ આપવામાં આવે છે. આ બેવડા ધોરણો બંધ થવા જોઈએ.”
વડાપ્રધાને કોઈ ચોક્કસ દેશનું નામ લીધું ન હતું, પરંતુ તેમણે આ ટિપ્પણી અમેરિકાના સંદર્ભમાં કરી હોવાનું માનવામાં આવે છે, કેમ કે ગત મહીને ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાર દિવસ ચાલેલા લશ્કરી તણાવ દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનને ભારત જેટલું જ મહત્વનું ભાગીદાર ગણાવ્યું હતું. આજે બુધવારે ટ્રમ્પ પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાથે લંચ પણ કરવાના છે. એવામાં વડાપ્રધાન મોદીનું આ નિવેદન પાકિસ્તાનને અમેરિકાના સમર્થન તરફ ઈશારો કરતુ હોય એવું લાગે છે.
આતંકવાદ સામે વૈશ્વિક કાર્યવાહીની જરૂરિયાત:
વડાપ્રધાન મોદીએ કહ્યું, “વૈશ્વિક શાંતિ અને સમૃદ્ધિ માટે, આપણી વિચારસરણી અને નીતિ સ્પષ્ટ હોવી જોઈએ – જો કોઈ દેશ આતંકવાદને સમર્થન આપે છે, તો તેણે તેની કિંમત ચૂકવવી પડશે.”
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, “વડાપ્રધાન મોદીએ આતંકવાદ સામે ભારતના વલણનો પુનરોચ્ચાર કર્યો અને પહેલગામમાં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાની નિંદા કરવા બદલ નેતાઓનો આભાર માન્યો. તેમણે આતંકવાદને પ્રોત્સાહન આપનારા અને સમર્થન આપનારાઓ સામે મજબૂત વૈશ્વિક કાર્યવાહીની જરૂરિયાત પર ભાર મૂક્યો.”