અમેરિકાના ફ્લોરિડામાં હાઇવે પર ક્રેશ લેન્ડિંગ દરમિયાન કાર સાથે અથડાયું વિમાન, જૂઓ વીડિયો

અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં સોમવારે સાંજે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી, જ્યારે એક નાના વિમાને મેરિટ આઇલેન્ડ નજીક વ્યસ્ત I-95 હાઇવે પર ઇમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવાનો પ્રયાસ કર્યો અને આ દરમિયાન તે એક કાર સાથે અથડાયું હતું. વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા પાઇલટે મજબૂરીમાં હાઇવે પર ઉતરાણ કરવાનો નિર્ણય લીધો હતો. આ દુર્ઘટનાના કારણે હાઇવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો અને માર્ગો ઘણા કલાકો સુધી બંધ રહ્યા હતા.
આ દુર્ઘટના સોમવારે સાંજે 5:45 વાગ્યાની આસપાસ બની હતી, જ્યારે હાઇવે પર ટ્રાફિકનું પ્રમાણ વધુ હતું. Beechcraft 55 મોડેલનું આ વિમાન હતું, જેમાં 27 વર્ષીય પાઇલટ અને તેનો એક સાથી સવાર હતા. મીડિયા રિપોર્ટ પ્રમાણે, વિમાનના બંને એન્જિનોમાં અચાનક પાવર લોસ થઈ ગયો હતો, જેના કારણે પાઇલટે તાત્કાલિક હાઇવે પર ઉતરવાનો નિર્ણય કર્યો હતો. ટ્રાફિકની વચ્ચે લેન્ડિંગ કરતી વખતે વિમાન 2023 મોડેલની ટોયોટા કેમરી કાર સાથે અથડાયું. સદભાગ્યે વિમાનમાં સવાર બંને વ્યક્તિને કોઈ ઈજા થઈ ન હતી.
વિમાનની ટક્કરનો ભોગ બનેલી ટોયોટા કેમરી કાર ચલાવનાર 57 વર્ષીય મહિલાને નજીવી ઈજાઓ પહોંચી હતી, અને તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ટક્કર બાદ વિમાન હાઇવે પર જ ઊભું રહ્યું, જેના કારણે આખા વિસ્તારમાં દોડધામ જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. દુર્ઘટના બાદ, I-95 નો દક્ષિણી લેન 201 માઇલ માર્કર પાસે સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. રાહત અને બચાવ ટીમો તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. હાઇવે ઘણા કલાકો સુધી બંધ રહ્યા બાદ સવારે લગભગ 9 વાગ્યે ફરીથી ખોલવામાં આવ્યો હતો.
આ એક જ દિવસમાં ફ્લોરિડામાં વિમાન સંબંધિત બીજી દુર્ઘટના હતી. ઓર્લાન્ડોથી 46 માઇલ દૂર DeLand વિસ્તારમાં એક Cessna 172 વિમાનને પણ ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં સવાર બે લોકો ઈજાગ્રસ્ત થયા હતા, પરંતુ બંનેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાઉપરી થયેલી દુર્ઘટનાઓને કારણે એવિએશન સલામતી પર સવાલો ઊભા થયા છે.
આપણ વાંચો: ટ્રમ્પના કડક પગલાથી વિદેશી વિદ્યાર્થીઓને મોટો ઝટકો; 85,000 અમેરિકી વિઝા રદ કર્યા, જાણો શું છે કારણ



