સિંધુ જળ સંધિ સ્થગિત થતા પાકિસ્તાનને થયું ભાનઃ શાહબાઝ શરીફે કરી મોટી જાહેરાત

ઇસ્લામાબાદ: પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સામે આકરા પગલા ભર્યા છે. કેન્દ્ર સરકાર દ્વારા પાકિસ્તાન સામે ઑપરેશન સિંદૂર શરૂ કરવાની સાથોસાથ સિંધુ જળ સંધિ સ્થગિત કરી દીધી છે. ભારતના બંને પગલાંથી પાકિસ્તાનને મોટું નુકસાન થયું છે. જેને લઈને પાકિસ્તાન સરકારને હવે ભાન થયું છે.
પાકિસ્તાન સરકાર એક્શનમાં
સિંધુ જળ સંધિ અનુસાર પાકિસ્તાન સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીના પાણીનો ઉપયોગ કરી શકે છે. પરંતુ સિંધુ જળ સંધિ સ્થગિત કરવાને કારણે પાકિસ્તાનની ખેતી પર તેની મોટાપાયે અસર પડવાની છે.
પાકિસ્તાન સરકાર આ પડકારનો ઉકેલ શોધી રહી છે. જેને લઈને મંગળવારે પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે નેશનલ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લીધી હતી અને એક મહત્ત્વની જાહેરાત કરી હતી.
આપણ વાંચો: પાકિસ્તાન પહેલાથી જ સિંધુ જળ સંધિનું ઉલ્લંઘન કરી ચૂક્યું છે! યુએનમાં ભારતે શાહબાઝને ઝાટક્યા…
પાણી સંગ્રહ કરશે પાકિસ્તાન
આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ શાહબાઝ શરીફે જાહેરાત કરતા જણાવ્યું હતું કે, “દુશ્મન જળ સંધિ વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગે છે. અમારી સરકાર પાણી સંગ્રહ કરવાની પદ્ધતિને મજબૂત બનાવશે. અમારી સરકારે નિર્ણય લીધો છે કે અમે અમારા પોતાના પાણીના ભંડાર બનાવીશું.”
પાકિસ્તાન બનાવશે ડેમ
શરીફે વધુમાં જણાવ્યું હતું કે, “પાકિસ્તાની સરકાર પાણી વ્યવસ્થાપન પદ્ધતિઓ પર કામ કરશે અને પાણીના ભંડાર આનો મુખ્ય ભાગ હશે, જેમાં ડાયમર ભાષા ડેમ જેવા પ્રોજેક્ટ્સનો સમાવેશ થશે. આગામી થોડા વર્ષોમાં પાણીસંગ્રહ કરવાની ક્ષમતા બનાવવા માટે અમે અમારી શક્તિનો ઉપયોગ કરીશું. રાષ્ટ્રીય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ આમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે”
બિલાવલ ભુટ્ટોએ ઝેર ઓક્યું હતું
ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના નેતા બિલાવલ ભુટ્ટોએ સિંધુ જળ સંધિને લઈને ધમકી આપી હતી કે, જો ભારત દ્વારા નદીનું પાણી રોકવામાં આવશે તો યુદ્ધ કરવામાં આવશે. પરંતુ ભારતના જળ શક્તિ પ્રધાન સીઆર પાટીલે તેમની ધમકીનો આકરો જવાબ આપતા કહ્યું હતું કે, “નદીનું પાણી ક્યાંય જશે નહી.”