આતંકવાદીઓ સાથેની અથડામણમાં પાકિસ્તાના 19 સૈનિકોના મોત; ભારત પર લગાવ્યા ગંભીર આરોપ

ઇસ્લામાબાદ: આતંકવાદને શરણ આપવા બદલ પાકિસ્તાન બદનામ છે. પાકિસ્તાનમાં ઉછરેલો આતંકવાદ તેને જ ભારે પડી રહ્યો છે. પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં છેલ્લા ત્રણ દિવસથી પાકિસ્તાનની સેના આતંકવાદીઓ સાથે અથડામણ ચાલી રહી છે, જેમાં પાકિસ્તાની સેનાના 19 સૈનિકો માર્યા ગયા છે. આ અથડામણમાં 45 આતંકવાદીઓ પણ માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
પાકિસ્તાની સેનાએ એક નિવેદન બહાર પાડીને જણાવ્યું કે 10 થી 13 સપ્ટેમ્બર દરમિયાન ઉત્તરપશ્ચિમ પ્રાંતના ત્રણ અલગ અલગ ભાગોમાં હિંસક અથડાણોમાં 45 આતંકવાદીઓ માર્યા ગયા છે અને 19 સૈનિકોના મોત થયા છે.
સૈનિકોના મોત બાદ વડા પ્રધાન શેહબાઝ શરીફ અને પાકિસ્તાની સેનાના વડા પ્રમુખ ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી. આ દરમિયાન શરીફે આતંકવાદીઓને વળતો જવાબ આપવા વચન આપ્યું.
ત્રણ સ્થળોએ અથડામણ:
પાકિસ્તાની સેનાના જણાવ્યા મુજબ બાજૌરમાં 22 આતંકવાદીઓ માર્યા ગયા હતા. દક્ષિણ વઝીરિસ્તાન જિલ્લામાં 13 આતંકવાદીઓ મર્યા ગયા હતાં. લોઅર ડીર વિસ્તારમાં થયેલી અથડામણમાં 10 આતંકવાદીઓ માર્યા ગયા હતાં.
આ જુથે સ્વીકારી હુમલાની જવાબદારી:
પાકિસ્તાની સેના સાથેની અથડામણની જવાબદારી તહરીક-એ-તાલિબાન (TTP) જુથે સ્વીકારી છે. પાકિસ્તાન સરકારના જણાવ્યા મુજબ આ સંગઠન અફઘાનિસ્તાનથી ચાલે છે, પણ અફઘાનિસ્તાનમાં સત્તાધારી તાલિબાનથી અલગ છે.
ભારત પર ગંભીર આરોપ:
પાકિસ્તાન સરકારે આરોપ લગાવ્યો કે આતંકવાદીઓને ભારત દ્વારા સમર્થન આપવામાં આવી રહ્યું છે અમે પાકિસ્તાનમાં હુમલા કરવા માટે અફઘાનિસ્તાનની ભૂમિનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પાકિસ્તાન સરકારે તાલિબાન તેની ભૂમિનો ઉપયોગ પાકિસ્તાન વિરોધી પ્રવૃતિઓ માટે ન થવા દેવા વિનંતી કરી. જોકે ભારત સામે આરોપ સાબિત કરવા પાકિસ્તાને કોઈ પુરાવા રજુ કર્યા નથી.
આ પણ વાંચો…પાકિસ્તાનમાં બચાવ કામગીરી દરમિયાન ત્રણ બોટ પલટી, બાળકો સહિત 10ના મોત