પાકિસ્તાની વાયુસેનાએ પોતાના જ નાગરીકો પર બોમ્બ વરસાવ્યા! 30 લોકોના મોત

ઇસ્લામાબાદ: આતંકવાદ વિરોધી અભિયાન હેઠળ સોમવારે પાકિસ્તાની વાયુસેનાએ ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં એર સ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 30 લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. અહેવાલ મુજબ માર્યા ગયેલા તમામ લોકો સામાન્ય નાગરીકો છે, ઘણા લોકો ઘાયલ થયા છે. આ કાર્યવાહી બદલ પાકિસ્તાની આર્મીની સખત ટીકા કરવામાં આવી રહી છે.
હુમલા બાદ સ્થળ પરના હૃદય દ્રાવક ફોટોઝ અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યા છે, જેમાં મૃતદેહો પડેલા જોઅવા મળે છે. રેસ્ક્યુ ટીમો કાટમાળ નીચે મૃતદેહો શોધી રહી છે, મૃત્યુઆંક હજુ વધી શકે છે.
અહેવાલ મુજબ આ ઘટના સવારે 2 વાગ્યાની આસપાસ બની હતી, પાકિસ્તાની એરફોર્સના ફાઈટર વિમાનોએ તિરાહ ખીણમાં સ્થિત માટ્રે દારા ગામ પર આઠ LS-6 બોમ્બ ફેંક્યા હતા, જેના કારણે ભારે જાનહાની થઇ હતી.
પાકિસ્તાની સેના છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સંગઠનના ઠેકાણાઓ સામે કાર્યવાહી કરી રહી છે, આ હુમલો પણ આ ઓપરેશન હેઠળ કરવામાં આવ્યો છે. પાકિસ્તાની સેનાનો દાવો છે કે આતંકવાદીઓને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આ હુમલામાં પાકિસ્તાનના જ સામાન્ય નાગરીકોના મોત નીપજી રહ્યા છે. મૃતકોમાં ઘણા બાળકો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
આ વર્ષે જૂનમાં એમ્નેસ્ટી ઇન્ટરનેશનલે જણાવ્યું હતું કે ખૈબર પખ્તુનખ્વામાં વારંવાર થતા ડ્રોન હુમલાઓ પાકિસ્તાનમાં નાગરિકોના મોત એ ચિંતાજનક છે.
આપણ વાંચો: ભારત અને અમેરિકાના વિદેશ મંત્રીઓ વચ્ચે બેઠક, ટેરિફ વિવાદ અંગે ચર્ચાની શકયતા