ઇન્ટરનેશનલ

ભારતના હુમલાથી પાકિસ્તાન થયું પાયમાલ, વિશ્વ પાસે માંગી લોનની ભીખ?

લાહોરઃ ભારતે પાકિસ્તાન પર કહેલા હુમલા બાદ પડોશી દેશમાં ફફડાટ ફેલાયો છે. આ દરમિયાન પાકિસ્તાનની હાલત કંગાળ થઈ રહી છે. પાકિસ્તાન સરકારે આર્થિક સંકટમાંથી બચવા માટે વિશ્વ સમક્ષ હાથ ફેલાવ્યા હતા. પાકિસ્તાન સરકારના ઈકોનોમિક અફેયર્સ ડિવીઝન મુજબ, પાકિસ્તાનને ભારતીય હુમલામાં ભારે નુકસાનનો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનની સરકારે વિશ્વભરમાં તેના આંતરરાષ્ટ્રીય ભાગીદારો પાસે વધારે લોનની માંગ કરી છે.

પાકિસ્તાન સરકારની ઈકોનોમિક અફેયર્સ ડિવિઝનની એક પોસ્ટ સામે આવી છે. આ પોસ્ટ મુજબ, પાકિસ્તાન સરકારને દુશ્મન દ્વારા ભારે નુકસાન થયું છે. યુદ્ધ અને શેરબજારમાં કડાકાના કારણે અમે આંતરરાષ્ટ્રીય સમુદાયને મદદ કરવા આગ્રહ કરીએ છીએ. આ પોસ્ટમાં પાકિસ્તાને વર્લ્ડ બેંકને પણ ટેગ કરી છે. જોકે આ અહેવાલ ખોટો હોવાનું અને પાકિસ્તાન સરકારનું X અકાઉન્ટ હેક થયું હોવાનું સામે આવ્યું હતું.

ભારત પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ચીનનું મોટું નિવેદન સામે આવ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા લિન જિયાને કહ્યં, અમે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ પર નજર રાખી રહ્યા છે. ચીન વર્તમાન સ્થિતિથી ચિંતિત છે. ભારત અને પાકિસ્તાન એકબીજાના પડોશી છે અને હંમેશા રહેશે. આ બંને દેશો ચીનના પણ પડોશી છે. ચીન તમામ પ્રકારના આતંકવાદનો વિરોધ કરે છે. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના હિતમાં કામ કરવા, શાંત રહેવા, આંતરરાષ્ટ્રીય કાયદાનું પાલન કરવા, સંયમ રાખવાની અપીલ કરીએ છીએ.

ભારતે પાકિસ્તાનની અનેક મિસાઇલોને તોડી પાડી

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ તો શરૂ થઈ ગયું છે. જમ્મુ અને કાશ્મીર, પંજાબ, રાજસ્થાનના અનેક જગ્યાએ પાકિસ્તાને હુમલો કર્યો હતો, જો કે, ભારતે પાકિસ્તાનના દરેક હુમલાને નાકામ કર્યો હતો. ભારતે પાકિસ્તાનની અનેક મિસાઇલોને તોડી પાડી હતી. પાકિસ્તાની મિસાઇલ અને એરક્રાફ્ટને હવામાં જ તોડી પાડવામાં માટે ભારતની S-400 સિસ્ટમ તેની પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે. પાકિસ્તાનને વળતો જવાબ આપતા ભારતે સંપૂર્ણ તૈયારી સાથે પાકિસ્તાની મિસાઇલોને તોડી પાડી હતી

આતંકવાદીઓનો સફાયો કરવા ભારતનું ‘ઓપરેશન સિંદૂર’

ભારતે પાકિસ્તાનમાં વસેલા આતંકવાદીઓને અડ્ડા પર ઓપરેશન સિંદૂર દ્વારા હુમલો કર્યો હતો. જેથી પાકિસ્તાનમાં અત્યારે અફરા તફરી જેવો માહોલ જોવા મળ્યો છે. હુમલા મુદ્દે કેન્દ્રીય રક્ષા પ્રધાન રાજનાથ સિંહે કહ્યું કે, 100 જેટલા આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે. ભારતે આતંકવાદીઓના 9 અડ્ડા પર હુમલો કર્યો હતો. ખાસ કરીને વાત કરવામાં આવે તો પાકિસ્તાન અત્યારે ડરી ગયું છે અને અન્ય દેશો પાસે મદદ માંગી રહ્યું છે, પરંતુ ભારત વિરૂદ્ધ જવા માટે કોઈ પણ તૈયાર નથી.

શું હતું ઓપરેશન સિંદૂર?

પહલગામ હુમલાનો જવાબ આપવા મંગળવાર રાત્રે દેશના સશસ્ત્ર દળોએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી કેમ્પો પર હુમલો કર્યો હતો. ઘાતક ડ્રોન અને મિસાઇલોનો ઉપયોગ કરીને કરવામાં આવેલા આ હુમલાઓમાં નવ સ્થળોએ આતંકવાદી કેમ્પ અને માળખાનો નાશ કરવામાં આવ્યો હતો. આ સાથે સેનાએ જાહેર કર્યું કે ન્યાય થયો છે! તેનું નામ હતું- ઓપરેશન સિંદૂર. પહલગામ હુમલામાં, આતંકવાદીઓએ પ્રવાસીઓને તેમનો ધર્મ પૂછ્યા બાદ ગોળી મારી દીધી હતી. હુમલાના 15 દિવસ પછી મંગળવાર મોડી રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર બંનેમાં આતંકવાદી કેમ્પો પર આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઓપરેશનની ખાસ વાત એ હતી કે પાકિસ્તાનની કોઈપણ લશ્કરી છાવણી તેની રેન્જમાં ન આવે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હતું. ઓપરેશન દરમિયાન ભારતે માત્ર આતંકવાદી કેમ્પ અને માળખાઓને જ નિશાન બનાવ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button