અફઘાનિસ્તાન પર પાકિસ્તાનનો હવાઈ હુમલો, 9 બાળકો સહિત 10 નાગરિકોના મોત…

પાડોશી દેશ અફઘાનિસ્તાનમાં ફરી એકવાર પાકિસ્તાન તરફથી હવાઈ હુમલા કરવામાં આવ્યા છે. પાકિસ્તાને એરસ્ટ્રાઇક માટે એવો સમય પસંદ કર્યો જ્યારે લોકો પોતપોતાના ઘરોમાં સૂઈ રહ્યા હતા. અફઘાનિસ્તાનના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદના જણાવ્યા અનુસાર, ગત રાત્રે લગભગ 12 વાગ્યે થયેલા આ હુમલામાં 9 બાળકો સહિત કુલ 10 લોકોનાં મોત થયા છે, જ્યારે 5 નાગરિકો ઘાયલ થયા છે.
આ હુમલાઓ અફઘાનિસ્તાનના ખોસ્ત અને કુનર-પક્તિકા જેવા સરહદી વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા, જ્યાં મોટી સંખ્યામાં જાન-માલનું નુકસાન થયું છે. ખોસ્ત પ્રાંતના ગર્બજો જિલ્લાના મગલગઈ વિસ્તારમાં પાકિસ્તાની સેના દ્વારા એક નાગરિકના ઘર પર બોમ્બમારો કરવામાં આવ્યો, જેમાં 5 છોકરાઓ અને 4 છોકરીઓ સહિત એક મહિલાનું કરુણ મૃત્યુ થયું અને ઘર સંપૂર્ણપણે તબાહ થઈ ગયું.

પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે સરહદી વિસ્તારોને લઈને તણાવ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે. પાકિસ્તાનનો આરોપ છે કે અફઘાનિસ્તાનમાં શરણ લેનાર TTP (તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન)ના આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવા માટે તે આ પ્રકારના હવાઈ હુમલા કરે છે. પાકિસ્તાનનું કહેવું છે કે TTP અફઘાનિસ્તાનની ધરતી પરથી સુરક્ષિત રીતે ઓપરેટ થઈ રહ્યું છે. જોકે, અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે હંમેશા આ આરોપોનો ઇનકાર કર્યો છે. તેમનું કહેવું છે કે પાકિસ્તાનની આંતરિક અસુરક્ષાનો મામલો પોતાનો છે અને અફઘાનિસ્તાન તેની જમીનનો ઉપયોગ કોઈ પણ દેશ વિરુદ્ધ થવા દેતું નથી. અફઘાનિસ્તાન દ્વારા પાકિસ્તાનની આ કાર્યવાહીને ‘દંભ ગણાવવામાં આવી છે.
પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા આ તાજેતરના હવાઈ હુમલાઓ પાછળનું મોટું કારણ ત્યાં થઈ રહેલા સતત બોમ્બ ધમાકા હોઈ શકે છે. સોમવારે પાકિસ્તાનના પેશાવરમાં ખાસ કરીને સૈન્ય ઠેકાણાને નિશાન બનાવીને એક આત્મઘાતી બોમ્બ વિસ્ફોટ કરવામાં આવ્યો હતો, જેમાં કેટલાક સૈનિકોના મોત થયા હતા. આનાથી થોડા સમય પહેલા જ પાકિસ્તાનની હાઈકોર્ટ સામે કાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 10થી વધુ લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાન આ બંને હુમલાઓને TTP પ્રેરિત માને છે અને તેના બદલામાં તાલિબાન શાસિત અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારોમાં કાર્યવાહી કરી રહ્યું છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો તણાવ નવો નથી. આ વર્ષે ઓક્ટોબરમાં પણ પાકિસ્તાને અફઘાનિસ્તાનના સરહદી વિસ્તારમાં એરસ્ટ્રાઇક કરી હતી, જેમાં ત્રણ અફઘાની ક્રિકેટરોનાં મોત થયા હોવાના અહેવાલ હતા. અગાઉ પણ કાબુલ સુધી પાકિસ્તાની સેનાઓએ બોમ્બમારો કર્યો હતો, જેના જવાબમાં અફઘાનિસ્તાને પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. જોકે, બંને પક્ષો વચ્ચે યુદ્ધવિરામ (Ceasefire) પર વાત બની હતી, પરંતુ પાકિસ્તાનના હવાઈ હુમલા હજુ પણ ચાલુ છે, જેનાથી બંને દેશો વચ્ચેની શાંતિની વાતચીત પર પ્રશ્નાર્થ ચિહ્ન લાગી ગયો છે.
આ પણ વાંચો…અફઘાનિસ્તાન-પાકિસ્તાન સરહદ પર તણાવ વધ્યો: ઇસ્તાંબુલમાં પાકિસ્તાનની શરતો તાલિબાને ફગાવી…



