પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓએ 18 મુસાફરોનું અપહરણ કર્યું

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લોકોની સુરક્ષા પણ હવે જોખમાઈ રહી છે. જેમાં પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં અજાણ્યા બંદૂકધારીઓનો ભય વધી રહ્યો છે. જેમાં સિંધ પ્રાંતમાં બંદૂકધારીઓએ બસમાં મુસાફરી કરી રહેલા 18 લોકોનું અપહરણ કર્યું છે. આ બસમાં રહેલા મુસાફરો ક્વેટા જઈ રહ્યા હતા. જોકે, આ અપહરણ બાદ બંદૂકધારીઓ શોધવા સુરક્ષા એજન્સીઓ પ્રયાસ શરુ કર્યા છે.
આ અંગે મળતી માહિતી મુજબ સિંધ પ્રાંતના ઘોટકી વિસ્તાર નજીક અજાણ્યા બંદૂકધારીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હતો. જેમાં સિંધ-પંજાબ સરહદ નજીક હાઇવે લિંક રોડ પર રાત્રે બંદૂકધારીઓએ બસ પર ગોળીબાર કર્યો અને લોકોનું અપહરણ કર્યું હતું. ગોળીબારમાં બસ ડ્રાઇવર અને કેટલાક મુસાફરો ઘાયલ થયા હોવાની માહિતી પણ સાંપડી છે.
આપણ વાચો: પોર્ટુગલ જઈ રહેલા મહેસાણાના દંપતી અને 3 વર્ષની દીકરીનું લિબિયામાં અપહરણ
મહિલા મુસાફરોને નુકસાન પહોંચાડ્યું ન હતું
જયારે બસમાં મુસાફરી કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે ઘટનાસ્થળે લગભગ 20 હુમલાખોરો હતા. તેમના બધા પાસે બંદુકો હતી તેમના ચહેરા ઢાંકેલા હતા. જેમાં આ હુમલાખોરોએ પુરુષ મુસાફરોને બસમાંથી ઉતરવા કહ્યું અને મહિલા મુસાફરોને નુકસાન પહોંચાડ્યું ન હતું. મહિલાએ કહ્યું કે બંદૂકધારીઓ અનેક મુસાફરોને લઈ ગયા હતા.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી
પાકિસ્તાનમાં બસમાંથી 18 લોકોના અપહરણ બાદ સિંધના ગૃહમંત્રીના પ્રવક્તા ઝિયા ઉલ હસન લંજરે ઘટનાને દુ:ખદ ગણાવી હતી. લંજરે કહ્યું કે ડ્રાઇવર અને કંડક્ટર ઉપરાંત બસમાં લગભગ 30 મુસાફરો હતા.
પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પાકિસ્તાનમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા આતંક મચાવ્યો હોવાની આ પહેલી ઘટના નથી. આ અગાઉ અજાણ્યા બંદૂકધારીઓએ ખૈબર પખ્તુનખ્વા અને બલુચિસ્તાનમાં સુરક્ષા દળોને વારંવાર નિશાન બનાવ્યા છે.



