ડૉનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજના પર પાકિસ્તાનનો ‘યુ-ટર્ન’: વિદેશ મંત્રીએ કર્યો નવો ખુલાસો…

ઇસ્લામાબાદ: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ગાઝા શાંતિ યોજનાના મુદ્દે પાકિસ્તાનની સરકારે શરૂઆતમાં સમર્થન આપ્યા બાદ સ્થાનિક વિરોધને કારણે પીછેહઠ કરી છે. વડા પ્રધાન શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરના વ્હાઇટ હાઉસના સ્વાગત અને ટ્રમ્પને નોબેલ પુરસ્કાર માટે નામાંકિત કરવાના પગલાં છતાં પાકિસ્તાની સરકારે ટ્રમ્પની ગાઝા યોજનાને નકારી કાઢી છે, જેનાથી અમેરિકાને મોટો ફટકો પડી શકે છે.
શાહબાઝ શરીફનો પાકિસ્તાનમાં ભારે વિરોધ
વ્હાઇટ હાઉસમાંથી પરત ફર્યા બાદ પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્રમ્પની 20 મુદ્દાવાળી ગાઝા શાંતિ યોજનાનું સમર્થન કર્યું હતું. શાહબાઝ શરીફે આ યોજનાને ગાઝામાં સંઘર્ષ સમાપ્ત કરવા માટે એક ‘શાનદાર યોજના’ ગણાવી હતી. પરંતુ હવે, પોતાના આ પગલાને કારણે શાહબાઝ શરીફનો પાકિસ્તાનમાં ભારે વિરોધ થયો છે. જેથી હવે પાકિસ્તાન સરકારે આ પ્રસ્તાવને ટેકો આપવાનો ઇનકાર કરી દીધો છે.
સરકારનો બચાવ કરતા પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક ડારે સંસદમાં જણાવ્યું કે, “શાહબાઝ શરીફે ડૉનાલ્ડ ટ્રમ્પની 20 મુદ્દાવાળી ગાઝા શાંતિ યોજનાની વિગતો વાંચ્યા વિના જ એક્સ પર તેની પ્રશંસા કરી હતી. યોજનામાં બદલાવ કરવામાં આવ્યો છે. હું સ્પષ્ટ કરી દેવા માંગું છું કે, આ 20 મુદ્દા જેને ટ્રમ્પ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે, તે અમારા નથી. તે આપણા પ્રસ્તાવ જેવા નથી. તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેથી તેને નકારી કાઢવામાં આવ્યા છે.”

પાકિસ્તાન સરકારને કરવી પડી પીછેહઠ
ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તેમની 20-મુદ્દા ગાઝા શાંતિ યોજનાને શાહબાઝ શરીફ અને આર્મી ચીફ અસીમ મુનીરનું “100 ટકા” સમર્થન છે. આ યોજનામાં ગાઝા પર શાસન કરતા હમાસને તેના શસ્ત્રો સોંપવાના નિર્દેશ પછી ગાઝાનું સંચાલન અમેરિકન રાષ્ટ્રપતિની અધ્યક્ષતામાં “શાંતિ બોર્ડ” દ્વારા કરવું, પેલેસ્ટિનિયન પ્રદેશમાંથી ઇઝરાયલી દળોની તબક્કાવાર પાછી ખેંચ, બંધકોની આપ-લે અને ગાઝાના પુનર્નિર્માણ માટે આરબ દેશો દ્વારા ખર્ચ ઉઠાવવા જેવી મુખ્ય જોગવાઈઓનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે, ડૉનાલ્ડ ટ્રમ્પની 20-મુદ્દા ગાઝા શાંતિ યોજના નજીકના ભવિષ્યમાં પેલેસ્ટિનિયન રાજ્યની સ્થાપના માટે કોઈ સ્પષ્ટ માર્ગ પ્રદાન કરતી નહોતી. પાકિસ્તાની રાજકારણીઓ, વિશ્લેષકો અને કાર્યકરોએ શાહબાઝ શરીફના સમર્થનની ટીકા કરી હતી અને તેને ‘મુસ્લિમ વિશ્વનું સંપૂર્ણ શરણાગતિ’ ગણાવી હતી, જેના કારણે પાકિસ્તાન સરકારને પીછેહઠ કરવાની ફરજ પડી છે.
આ પણ વાંચો…ગાઝા શાંતિ પ્લાન: પાકિસ્તાન લેશે યુ-ટર્ન? ટ્રમ્પના પ્રસ્તાવ પર શહબાઝ સરકારનો વિરોધ