લશ્કર-એ-તૈયબામાં ભારતમાં આતંકી હુમલો કરવાની ફિરાકમાં, હાફિઝ સઈદ અંગે સ્ફોટક ખુલાસો!

હાફિઝ સઈદ ચૂપ નહીં બેસે, બાળકોને પણ આતંકી આપી રહ્યો છે તાલીમ…
ઇસ્લામાબાદ/નવી દિલ્હીઃ ‘ઓપરેશન સિંદૂર’ બાદ પણ પાકિસ્તાનમાં બેઠેલા આતંકીઓ પોતાની નાપાક હરકતો છોડી નથી રહ્યાં છે. અત્યારે એવા સમાચાર મળ્યાં છે કે બાંગ્લાદેશના રસ્તે હવે પાકિસ્તાન ભારતમાં કોઈ મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પરના વાયરલ વીડિયોમાં પાકિસ્તાનમાં બેઠેલો આતંકવાદી ભારત સામે મોટી કાર્યવાહી કરવાનો આદેશ આપી રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે તો આ વીડિયો લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર સૈફુલ્લાહ સૈફનો છે.
હાફિઝ સઈદ ભારત પર હુમલો કરવાની ફિરાકમાં?
લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર સૈફુલ્લાહ સૈફ વીડિયોમાં કહી રહ્યો છે કે હાફિઝ સઈદ હવે બાંગ્લાદેશના માર્ગે પણ ભારત પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યો છે. હાફિઝ સઈદ ચૂપ નહીં બેસે, તેવી ધમકીઓ પણ આપી છે. ભારત સામે હાફિઝ સઇદ કોઈ નવી યોજના બનાવી રહ્યો હોવાનો ખુલાસો થયો છે. આજે ગુજરાતમાંથી ત્રણ આતંકવાદીઓની ધરપકડ પણ કરવામાં આવી છે. જેથી એક મોટા ષડયંત્રનો પર્દાફાશ પણ કર્યો છે. જો કે, કમાન્ડર સૈફુલ્લાહ સૈફના કહ્યાં પ્રમાણે પાકિસ્તાની આતંકીઓ હવે બાંગ્લાદેશથી ભારતમાં હુમલો કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. લશ્કર-એ-તૈયબા પાકિસ્તાન સાથે સાથે બાંગ્લાદેશમાં પણ એક્ટિવ હોવાનો સૈફુલ્લાહ સૈફે ખુલાસો કર્યો હતો.
આ પણ વાંચો: ઓપરેશન સિંદૂર: લશ્કર-એ-તૈયબાના કમાન્ડરે કબૂલ્યું કે ભારતીય વાયુસેનાએ ઠેકાણાઓનો સફાયો કર્યો
સૈફુલ્લાહ સૈફે ભારત પર આતંકી હુમલાની આપી ધમકી
30 ઓક્ટોબરે પાકિસ્તાનના ખૈરપુરમાં એક રેલી કાઢવામાં આવી હતી. આ રેલીમાં સૈફુલ્લાહએ કહ્યું હતું કે હાફિઝ સઈદ હવે ચૂપ નહીં બેસે. તે બાંગ્લાદેશના રસ્તે ભારત પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યો છે. જે વીડિયો અત્યારે વાયરલ થઈ રહ્યો છે, તેમાં સૈફુલ્લાહ સૈફે ભારત પર આતંકી હુમલો કરવાની સીધી ધમકી આપી છે. હાફિઝ બાંગ્લાદેશમાં આતંકીઓને ટ્રેનિંગ આપી રહ્યો છે, જેમાં નાના બાળકો પણ સામેલ છે. એટલે એવી પણ આશંકા છે કે, ભારત સામે હવે જેહાદ માટે આતંકવાદીઓ બાળકોનો ઉપયોગ કરી રહ્યાં છે.
આતંકી સૈફુલ્લાહ સૈફે પાકિસ્તાન અંગે શું કહ્યું?
સૈફુલ્લાહ સૈફનો દાવો એવો છે કે, ભારતે 9 અને 10મી મેની રાત્રે જે ઓપરેશન સિંદૂર મિશન પાર પાડ્યું હતું, તેના પાકિસ્તાને જવાબ આપ્યો છે. પરંતુ વાસ્તવમાં આ વાત પાયાવિહોણી છે. સૈફુલ્લાહ સૈફનું કહેવું છે કે, હવે અમેરિકા પાકિસ્તાન સાથે છે અને બાંગ્લાદેશ પણ પાકિસ્તાનની નજીક આવી રહ્યું છે. જો કે, મહત્વની વાત એ છે કે, અમેરિકાએ 2015માં હાફિઝ સઈદ પર 10 મિલિયન ડોલરનું ઇનામ જાહેર કરેલું છે. જેથી અમેરિકા સાથે આપે તે વાત પણ પાયાવિહોણી સાબિત થાય છે.



